નર્સિંગનો અભ્યાસ કરી દવાખાનું ખોલી યુવક બોગસ તબીબ બની ગયો
કમ્પાઉન્ડર તરીકે કામ કર્યા બાદ જેતપુરમાં 15 દિવસથી દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો’તો : મેડિકલ દવાઓ અને સાધનો મળી રૂ.27 હજારનો મુદામાલ જપ્ત
જેતપુરના ભોજાધારમાં નર્સિંગનો અભ્યાસ કરી દવાખાનું ખોલી લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને જેતપુર પોલીસે ઝડપી લઈ રૂ.27 હજારનો મેડિકલ દવા સહિતનો મુદામાલ કબ્જે કર્યો હતો. જુનાગઢમાં કમાઉન્ડર તરીકે કામ કર્યા બાદ 15 દિવસથી દવાખાનું ખોલી ધંધો કરતો હોવાની કબૂલાત આપી હતી.
વિગત મુજબ, જેતપુર સીટી પોલીસ મથકના પીએસઆઇ વી.સી. પરમાર અને ટીમને જેતપુરમાં ભોજાધાર, હનુમાન મંદીર પાસે વિજય નામના શખ્સે કોઈ પણ એલોપેથીક દવાની મેડીકલ ડીગ્રી ધરાવતો ન હોવા છતા ગેરકાયદેસર કલીનીક ચલાવે છે.તેવી મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી તપાસ કરતા વિજય કાળુ ભડેલીયા (ઉ.વ.35),(રહે, નયન પાર્ક, પંચમીયા હોસ્પીટલ પાછળ ધોરાજી રોડ, જેતપુર) મળી આવતા તેની અટકાયત કરી હતી.અને તેને મેડીકલ પ્રેકટીશને લગતી ડીગ્રી બાબતે પૂછતા તેમની પાસે મેડીકલને લગતી કોઈ ડીગ્રી નહી હોવાનું જણાવ્યું હતું.તેમજ તે છેલ્લા 15 દીવસથી પોતે આ કલીનીક ચલાવતો હોવાનું અને તેને બિકોમ તેમજ નર્સિંગનો સુધીનો અભ્યાસ કર્યા બાદ ખાનગી હોસ્પિટલમાં કમ્પાઉન્ડર તરીકે કામ કર્યા હોવાની કબૂલાત આપી હતી.પોલીસે તેની પાસેથી એલોપેથીક ટેબ્લેટસ, સીરપ, ઇન્જેકશનો, સીરીજ તથા નીડલ, મેડીકલ પ્રેકટીશને લગતા અન્ય સાધનો તથા દવાઓ મળી કુલ રૂ.27046 નો મુદામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી હતી.