રાજકોટમાં ‘કળા’ કરી છૂટ્યા બાદ નકલી ASIએ ગોંડલમાં લખણ ઝળકાવ્યા !
ક્રાઈમ બ્રાન્ચના મયુરસિંહ ઝાલાના નામે વેપારી પાસેથી પાંચ લાખ પડાવ્યા'ને પકડાયો
લીમડા ચોકમાં ઉભેલા વેપારીને ધમકાવી
તે છોકરીની છેડતી કરી છે, ૧૦ વર્ષ સુધી જેલમાં જવું પડશે’ની ધમકી આપી
રાજકોટમાં નકલી પોલીસે ઉપાડો' લીધો હોય તેમ પખવાડિયા પહેલાં એ-ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલી હોટેલમાં યુગલને ધમકાવી
તોડ’ કરવાના ગુનામાં જેલની હવા ખાઈ ચૂકેલા શખ્સે સુધરવાની જગ્યાએ ગોંડલમાં લખણ ઝળકાવતાં પોલીસે પકડી પાડી કાયદાનું ભાન કરાવ્યું હતું.
આ અંગે ગોંડલના ભોજરાજપરામાં બંસી ગ્રાફિક નામે દુકાન ધરાવતાં કેયુર કમલેશભાઈ કોટડિયાએ ગોંડલ બી-ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે ગત ૨૧ ડિસેમ્બરે તે રાજકોટથી પેમેન્ટ લઈ પરત ગોંડલ જવા માટે લીમડા ચોકથી બસ સ્ટેન્ડ જવા માટેની રિક્ષામાં બેઠો કે તુરંત જ એક શખ્સે બાઈક પર ધસી આવીને કહ્યું હતું કે હું ક્રાઈમ બ્રાન્ચમાં એએસઆઈ છું, તારું આધારકાર્ડ બતાવ. આધારકાર્ડ જોયા બાદ પૂછપરછ શરૂ કરી કેયુર પાસેથી તેની દુકાનનું કાર્ડ લીધું હતું.
આટલું બન્યા બાદ બપોરે ત્રણેક વાગ્યે તે ગોંડલ ધસી ગયો હતો અને ત્યાં જઈને કેયુરને કહ્યું હતું કે રાજકોટમાં તે છોકરીની છેડતી કરી હોય તારા ઉપર ફરિયાદ દાખલ થવાની છે. જો આ ગુનામાં ફિટ ન થવું હોય તો પૈસા આપવા પડશે. ત્યારબાદ તે શખ્સે કેયુરનું ગૂગલ-પે ચેક કરતાં તેમાં ૧૫ લાખ રૂપિયાની બેલેન્સ જોઈ ગયો હતો. બેલેન્સ જોયા બાદ તેણે કહ્યું હતું કે પાંચ લાખ આપ એટલે હું કેસ રફેદફે કરી નાખીશ. જો પૈસા નહીં આપે તો ૧૦ વર્ષ સુધી જેલમાં રહેવું પડશે અને અખબારમાં તારું નામ આવશે.
આ સાંભળી ગભરાઈ ગયેલા કેયુરે તેની બેન્કમાંથી ચેક મારફતે પાંચ લાખ ઉપાડી નકલી પોલીસને આપી દીધા હતા. જો કે આટલેથી તેનું પેટ ન ભરાયું હોય તેણે થોડા દિવસ બાદ ફરી કેયુરને ફોન કરીને કહ્યું હતું કે હું ક્રાઈમ બ્રાન્ચમાંથી એએસઆઈ મયુરસિંહ ઝાલા વાત કરું છું અને તારે હજુ વધુ બે લાખ આપવા પડશે. આ સાંભળી ગભરાયેલા કેયુરે તેના મીત્ર અંકિત કોટડિયાને વાત કરતાં બન્નેએ મળીને મયુરસિંહ ઝાલા (નકલી નામ)ને ઓફિસે બોલાવ્યો હતો. જો કે આ વેળાએ પોલીસને જાણ કરી દેતાં પોલીસની હાજરીમાં જ ઓફિસે આવેલો નકલી પોલીસ પકડાઈ ગયો હતો.
પોલીસે પકડ્યા બાદ પૂછપરછ કરતાં તેણે પોતાનું નામ મીહિર ભાનુભાઈ કુંગસીયા (રહે.પોપટપરા) આપ્યું હતું. તપાસ બાદ એવો ખુલાસો થયો હતો મીહિરે અગાઉ રાજકોટમાં પણ આ જ રીતે તોડ કર્યો હતો. પોલીસે મીહિર પાસેથી પાંચ લાખની રોકડ પણ કબજે કરી હતી.