બહેનના ઘરે રોકાવા આવેલ યુવકનો એપાર્ટમેન્ટની છત ઉપર પડતું મૂકી આપઘાત
કિશનપાર્કમાં માનસિક બીમારીથી કંટાળી વૃધ્ધાએ ઝેરી દવા ગટગટાવી લેતાં મોત
શહેરમાં આપઘાતના બે બનાવ સામે આવ્યા છે. જામનગર રોડ પર રહેતી બહેનના ઘરે રોકાવા આવેલા 25 વર્ષીય યુવકે એપાર્ટમેન્ટની અગાસી પરથી કૂદકો મારી આપઘાત કરી લીધો હતો. જ્યારે ઉમિયા ચોક પાસે આવેલ કિશન પાર્કમાં 65 વર્ષીય વૃધ્ધાએ માનસિક બીમારીથી કંટાળી ઝેરી દવા પી લેતા ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું છે.
મળતી વિગતો મુજબ, કોઠારીયા રોડ પર આવેલ અજંતા પાર્કમાં રહેતો 25 વર્ષીય ધાર્મિક રાજેશભાઈ જોષી નામનો યુવક ગુરુવારે સાંજના સમયે માતા સાથે જામનગર રોડ પર આવેલ માધવતીર્થ એપાર્ટમેન્ટમાં રહેતી બહેન નિરાલી જાનીના ઘરે રોકાવા ગયો હતો. દરમિયાન રાત્રિના યુવકે એપાર્ટમેન્ટની અગાસી પરથી કૂદકો મારી આપઘાત કરી લેતા અહીં રહેતા રહીશોમાં ચકચાર મચી જવા પામ્યો હતો. બનાવ અંગે જાણ થતા 108 ટીમે સ્થળ પર પહોંચી યુવકને મૃત જાહેર કર્યો હતો. પરિવાર પાસેથી જાણવા મળ્યા મુજબ મૃતક ધાર્મિક કેટલા દિવસથી ગુમસુમ રહેતો હતો. તેના પિતા રાજેશભાઈનું 4 વર્ષ અગાઉ બીમારીથી મોત નિપજ્યું હતું. બે બહેનના એકના એક ભાઈ અને પરિવારના માતાના આધારસ્તંભ એવા જુવાન પુત્રના મોતથી ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.
આપઘાતના અન્ય એક બનાવમાં 150 ફૂટ રીંગ રોડબોર ઊમિયા ચોક પાસે આવળ કિશનપાર્કમાં વ્રજલીલા એપાર્ટમેન્ટમાં રહેતા 65 વર્ષીય વિજ્યાબેન બાબુભાઇ કોરીયાએ ઘરે ઝેરી પાવડર ખાઇ લેતા પરિવારે તુરંત તેઓને ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા પરંતુ અહીં ટૂંકી સારવારમાં જ તેમણે દમ તોડી દીધો હતો. મૃતક વિજયબેન અને તેમનો પરિવાર થોડક દિવસો પહેલા જ માંગરોળથી રાજકોટ રહેવા આવ્યા હતા તેમની માનસિક દવા પણ ચાલુ હોય ત્યારે પરિવારે માનસિક બીમારીથી કંટાળીને આ પગલું ભર્યું હોવાનું જણાવ્યું છે.