જુની કલેકટર કચેરી પાસે યુવકને મિત્રએ જ છરીના ઘા ઝીંક્યા
હાથ ઉછીના આપેલા પાંચ હજારની ઉઘરાણી કરતાં હુમલો કર્યો : પ્ર.નગર પોલીસે ગુનો નોંધ્યો
જુના માર્કેટ યાર્ડ પાછળ રહેતો યુવાનને જુની કલેકટર કચેરી પાસે હતો ત્યારે તેનો જુનો મિત્ર મળી જતાં તેની પાસેથી રૂપિયા પાંચ હજાર લેવાના હોઇ તેની ઉઘરાણી કરતાં તેણે ઉશ્કેરાઇ જઇ છરીથી હુમલો કરી દેતાં તેને લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.અને આ મામલે પોલીસે ગુનો નોંધ્યો છે.
આ બનાવમાં પ્ર.નગર પોલીસે જુના માર્કેટ યાર્ડ પાસે પ્રદ્યુમન પાર્ક નજીક સાગરનગરમાં રહેતાં દિપક ઉર્ફે શિવમ્ રણજીતભાઇ અગ્રાવત (ઉ.વ.૧૯)ની ફરિયાદ પરથી તેના જ મિત્ર ગાંધીગ્રામ નાણાવટી ચોક આવાસ કવાર્ટરમાં રહેતાં વિમલ સતિષભાઇ બાવાજી વિરૂધ્ધ ગુનો નોંધ્યો છે.ફરિયાદમાં તેને જણાવ્યું હતું કે,હું જુની કલેકટર કચેરીની પાછળ ઉભો હતો ત્યારે વિમલ બાાવજી મને ત્યાં મળ્યો હતો. આઠેક મહિના અગાઉ મેં તેને રૂપિયા પાંચ હજાર આપ્યા હોઇ તે તેણે મને હજુ સુધી પાછા આપ્યા નહોતાં. જેથી તેની ઉઘરાણી કરતાં તે ઉશ્કેરાઇ ગયો હતો અને નેફામાંથી છરી કાઢી એક ધા જમણા પગમાં,અને બીજા ત્રણ ઘા ડાબા સાથળ પાછળ અને બે ઘા જમણા પગમાં તેમજ એક ઘા કપાળ ઉપર મારી દીધો હતો. તેમજ ગુપ્તાંગમાં પણ છરી અડી ગઇ હતી.જેથી તેને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.અને આ મામલે પ્ર.નગર પોલીસ મથકના પીએસઆઇ પી.કે.પઢીયારે ગુનો નોંધી આરોપીની શોધખોળ હાથ ધરી છે.