કેરમ રમવા મુદ્દે મિત્રની નજર સામે જ યુવકની કરપીણ હત્યા
બે વર્ષ પૂર્વે થયેલા ઝગડાનો ખાર રાખી કુબલિયાપરામાં છરીના ઘા ઝીંકી યુવકનું ઢીમ ઢાળી દીધું : થોરાળા પોલીસે ગણતરીની કલાકોમાં હત્યારાની ધરપકડ કરી
રાજકોટ ફરી એક વાર રકતરંજીત થયું છે. નજીવી બાબતે ઝગડો કરી યુવકની છરીના ઘા ઝીંકી કરપીણ હત્યા કરવામાં આવતા ચકચાર મચી જવા પામ્યો છે. કુબલીયાપરા વિસ્તારમાં રહેતા યુવક સાથે બે વર્ષ પૂર્વે કેરમ રમવા મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી શખ્સે યુવકને છરીના ઘા ઝીંકી દેતા તેને ગંભીર રીતે ઇજા પહોંચતા સારવારમાં ખસેડવામાં આવ્યો હતો.અને ટૂંકી સારવારમાં તેનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.
પોલીસમાંથી જાણવા મળતી વિગત અનુસાર રાજકોટમાં કુબલીયાપરા વિસ્તારમાં આવેલા મચ્છી ચોકમા ખોડીયાર માતાજીના મંદિર સામે રહેતો સતિષ વિઠ્ઠલભાઈ સોલંકી નામનો 31 વર્ષનો યુવાન રાત્રીના સાડા બારેક વાગ્યાના અરસામાં પોતાના ઘર પાસે હતો. ત્યારે નીરજ ઉર્ફે લેંડો ધરમભાઇ પરમાર નામના શખ્સે ઝઘડો કરી છરી વડે હુમલો કર્યો હતો. હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા સતિષ સોલંકીને લોહી લુહાણ હાલતમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેની સારવાર કારગત નીવડે તે પૂર્વે જ હોસ્પિટલના બિછાને દમ તોડી દેતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવની જાણ થતા થોરાળા પોલીસ મથકના પીઆઇ એન.જી.વાઘેલા સહીતનો સ્ટાફ દોડી આવ્યો હતો.અને પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે, મૃતક સતિષ સોલંકી ત્રણ ભાઈમાં વચ્ચેટ હતો અને તેના દોઢ વર્ષ પૂર્વે જ લગ્ન થયા હતા સતિષ સોલંકી પાડોશમાં રહેતા વુધ્ધાનું અવસાન થયું હોય અને તેન ત્યાં ભજન હોવાથી મિત્ર ઉદય પ્રકાશભાઈ સોલંકી સાથે ભજનમાં ગયો હતો.
ભજન સાંભળી ઉદયના બાઇક પાછળ બેસીને આવતો હતો ત્યારે નીરજ ઉર્ફે લેંડો રસ્તામાં આંતરી બે વર્ષ પૂર્વે કેરમ રમવા મુદ્દે થયેલી બોલાચાલીનો ખાર રાખી સતિષ સોલંકીને ‘આજે મારે તારી સાથે ફરી ઝગડો કરવો છે’ કહી છરીના ઘા ઝીંકી દીધા હતા. આ બનાવ અંગે મૃતક સતીશ સોલંકીના મોટાભાઈ રાકેશ ઉર્ફે રાજેશ સોલંકીએ હત્યારા નીરજ ઉર્ફે લેંડો પરમાર વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી ધરપકડ કરી છે.