ભોમેશ્વરમાં બિલ્ડિંગના પાંચમા માળેથી મહિલાએ લગાવી મોતની છલાંગ
પરિવાર ઘરમાં સૂતો હતો ત્યારે બિલ્ડિંગની અગાસી પરથી મહિલાએ પડતું મૂકી કર્યો આપઘાત : કારણ અંગે રહસ્ય
રાજકોટમાં દિન-પ્રતિદિન આપઘાતના બનાવો વધી રહ્યા છે. ત્યારે તેમાં વધુ એક બનાવ સામે આવ્યો છે. જેમાં ભોમેશ્વરમાં આવેલી દ્વારકેશ સ્કાય હાઇટ્સમાં રહેતા 53 વર્ષીય મહિલાએ વહેલી સવારે બિલ્ડિંગની છત પરથી પડતું મૂકી આપઘાત કરી લેતા પરિવાર શોકમાં ગરક થયો છે.
વિગતો મુજબ શહેરમાં ભોમેશ્વર ખાતે આવેલી દ્વારકેશ સ્કાય હાઇટ્સ નામની બિલ્ડિંગમાં ચોથા માળે રહેતા ક્રિષ્નાબેન મુકેશભાઇ જોબનપુત્રા નામના 52 વર્ષીય મહિલા પોતાના ઘરે હતા ત્યારે વહેલી સવારે પરિવાર સૂતો હતો તે સમયે બિલ્ડિંગની અગાસી પરથી પડતું મૂકી આપઘાત કરી લીધો હતો. ઘટનાની જાણ થતાં સોસાયટીના લોકો અને મહિલાના પતિ અને પુત્ર નીચે દોડી આવ્યા હતા અને 108 મારફત તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતા.
અહી ફરજ પરના તબીબોએ તેમને તપાસી મૃત જાહેર કર્યા હતા.જ્યારે બનાવની જાણ પ્ર.નગર પોલીસને થતાં સ્ટાફ દોડી આવ્યો હતો અને તેના મૃતદેહને પીએમ અર્થે ખસેડ્યો હતો.જ્યારે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે,મૃતક મહિલાના પતિ ભોમેશ્વરમાં સોડાની દુકાન ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા અને તેનો પુત્ર કોલેજમાં અભ્યાસ કરતો હતો. જ્યારે પોલીસે મહિલાના આપઘાત પાછળનું કારણ જાણવા તપાસ હાથધરી છે. હાલ મહિલાના મોતથી પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.