ગોંડલ રોડ પર પ્લાયવૂડ માથે પડતાં બે માસના બાળકનું મોત
શહેરમાં ગોંડલ રોડ પર આવેલા નહેરુ નગરમાં રહેતા પરપ્રાંતિય મજૂર પરિવારના બે માસના માસૂમ બાળક પર પ્લાયવૂડની સીટ પડતાં તેનું કરૂણ મોત નીપજ્યું છે. માહિતી મુજબ ગોંડલ રોડ પર અટીકા ફાટક પાસે આવેલ નેહરૂનગર શેરી નં.4 માં રહેતાં ધરમવીર ચૌહાણનો બે માસનો પુત્ર ધ્રુવ રાત્રિના સમયે ઘરે હતો. ત્યારે ધરમવીર ભક્તિનગર વિસ્તારમાં ખરીદી કરવા માટે ગયા હતા અને તેમની પત્ની પુત્ર ધ્રુવને દરવાજાની પ્લાય ઉભી હતી તેની બાજુમાં સુવડાવી તેને નવડાવવા માટે પાણી ભરવા માટે બહાર ગયાં હતા. તે સમયે અચાનક જ દરવાજા પાસે ઉભી કરેલ પ્લાય નીચે સુતેલા બાળક પર પડી હતી. જેમાં બાળકને ગંભીર ઈજા પહોંચતા સારવાર માટે જનાના હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહી તેનું મોત નીપજ્યું હતું. આ મામલે ભક્તિનગર પોલીસે નોંધ કરી જરૂરી કાગળો કર્યા હતા.