‘માતાજી ક્રોધિત છે મનાવવા 13 લાખનું ધૂપ લાગશે’ કહી પટેલ ખેડૂતને ઠગ સાધુએ છેતર્યા
અંધશ્રદ્ધામાં વિધિ કરવાના નામે ખેડૂત પાસેથી ઠગ સાધુ અને તેના શિષ્ય સહિત પાંચે પૈસા પડાવતા નોંધાતો ગુનો
આજના યુગમાં હજુ કેટલાક લોકો અંધશ્રદ્ધામાં માનતા હોવાના કિસ્સા સમયાંતરે બનતા રહે છે. ત્યારે આવો જ એક કિસ્સો જામકંડોરણાના ખજૂરડા ગામે આવ્યો છે. જેમાં પટેલ ખેડૂતને સાધુ સહિતની ઠગ ટોળકીએ માતાજી તમારા પર પ્રસન્ન છે તેમ કહી તાંત્રિક વિધિ કરવાનું કહ્યું હતું. બાદમાં માતાજી ખૂબ જ ક્રોધિત થઈ ગયા છે.તેમ કહી ધૂપના બહાને 13 લાખ પડાવતા પોલીસે ગુનો નોંધી શોધખોળ શરૂ કરી છે.
વિગતો મુજબ, વિગત મુજબ જામકંડોરણાના ખજુરા ગામે રહેતા મહેન્દ્રભાઈ હરસુખભાઈ ડેડકિયા ઉ.વ.46 નામના પટેલ યુવાને પોલીસમાં નોંધાવેલ ફરિયાદમાં આરોપી તરીકે સાધુ, ગુરુજી, શિષ્ય અને જીતુભા સહિત 5 શખ્સોના નામ આપ્યા હતા.જેમાં તેને જણાવ્યું હતું કે, ચારેક મહિનાથી એક સાધુ અવાર નવાર દક્ષિણા માગવા આવતા હોય સાધુએ વેપારીને રૂદ્રાક્ષ આપ્યો હતો અને પોતાના મોબાઈલ નંબર આપ્યા હતાં. ત્યાર બાદ થોડા સમય પછી ફોન કરી તમને માતાજી પ્રસન્ન થયેલ છે તમોને લક્ષ્મી મળશે તમારી પાસે જૂના રૂપિયા હોય તો તેનાથી લક્ષ્મી આવશે તેવી વાત કરી તમારે જમીન છે. તે જમીનમાં પણ પુષ્કળ માયા છે તેમ કહી વેપારી યુવાનને શીશામાં ઉતાર્યો હતો.
ત્યાર બાદ ધન પ્રાપ્તી માટે વીધિ કરવાનું કહી પોતાના ગુરુજી અને શિષ્ય સાથે વાતચીત કરાવી વીધીનો સામાન ચોખા, ઘઉં, અડદ, લોખંડ, ચાંદી, સોનું જૂનો રૂપિયાનો સિક્કો,ચુંદડી સહિતની ચિજવસ્તુઓ મગાવી વાંકાનેરના રફાળા ગામ પાસે બોલાવ્યા હતા અને ત્યાં ગુરુજી, શિષ્ય અને સાધુ સહિતના ચારેય શખ્સોઅ વીધિ કરાવી હતી આ વખતે ગુરુજી બોલવા લાગેલ કે, માતાજી ક્રોધિત થયેલ છે હવે તમારા દિકરાને સજીવન કરવા માટે ધુપની જરૂર પડશે તમારે 25 તોલા ધુપ લાવું પડશે તેમ કહી વેપારીને શીશામાં ઉતાર્યા હતાં એક તોલા ધુપના 21 હજાર લેખે વેપારી યુવાન પાસેથી 25 તોલા ધુપના નામે અલગ અલગ સમયે 13 લાખ રૂપિયા પડાવ્યા હતાં.વિધિના ઘણા સમય સુધી વેપારી યુવાનને કોઈ જ લાભ નહીં થતા અંતે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પીએસઆઈ વી.એમ ડોડિયા સહિતના સ્ટાફે ગુનો નોંધી મોબાઈલ નંબરના આધારે ઠગ ટોળકીની શોધખોળ હાથ ધરી છે.