રાજકોટની યુવતી સાથે લગ્નનું નાટક કરી શિક્ષકે દુષ્કર્મ ગુજાર્યુ
જસદણના કડુકા ગામના વતની છોટાઉદેપુરના માલુ ગામે શિક્ષક સામે ગુનો નોંધાયો
રાજકોટની એક યુવતી સાથે ઇન્સ્ટાગ્રામ મારફતે સંર્પકમાં આવેલ શિક્ષકે લગ્નની લાલચ આપી રાજકોટની હોટલમાં દુષ્કર્મ ગુજરતા આ મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે બળાત્કાર, એટ્રોસીટી હેઠળ ગુનો નોંધી દુષ્કર્મ ગુજારનાર શિક્ષકની ધરપકડ માટે તજવીજ શરૂ કરી છે.
ભોગ બનનાર યુવતિએ ફરિયાદમાં જસદણના કડુકા ગામના વતની અને હાલ છોટાઉદેપુરના માલુ ગામે શિક્ષક તરીકે નોકરી કરતા સુરેશ ધનજીભાઇ આંધાણીનું નામ આપ્યું છે. રાજકોટમા સાતેક વર્ષથી એકલી રહેતી યુવતીનો અઢી વર્ષ પહેલા ઇન્સ્ટાગ્રામ મારફત સુરેશ સાથે સંર્પક થયો હતો. આ પછી બંનેએ એકબીજાના ફોન નંબર મેળવી વાતચીત કરતાં પ્રેમસંબધ બંધાયો હતો. સુરેશ યુવતીને રાજકોટમાં અલઅગ અલગ જગ્યાએ ફરવા લઇ જતો હતો. સુરેશ યુવતીને ગત તા 27/5/2022ના રાજકોટમાં સાંગણવા ચોકમાં આવેલી હોટેલમાં લઇ ગયો હતો જ્યાં તેણે ભગવાનના ફોટા સામે યુવતીને મંગલસુત્ર પહેરાવ્યું હતું, સેંથીમાં સિંદુર પુર્યુ હતું અને કહ્યું હતું કે આજથી આપણા લગ્ન થઇ ગયા, આજથી આપણે પતિ-પત્નિ છીએ. આપણે સમાજમાં પણ લગ્ન કરીશું. તેમ કહી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ યુવતીને હોટલ તેમજ કડુડા ગામે આવેલ તેના ઘરે લઈ જઈ દુષ્કર્મ ગુજાર્યા બાદ સુરેશ છોટાઉદેપુરના માલુ ગામે જતો રહ્યો હતો. યુવતીએ તપાસ કરતાં જાણ થઈ કે સુરેશ જ્યાં નોકરી કરે છે ત્યાંની એક છોકરી સાથે પણ તેને સંબંધ છે. બાદમાં સુરેશે યુવતી સાથે છૂટાછેડાનું લખાણ કરાવી લીધું હતું. આ બાબતે અંતે યુવતીએ ફરિયાદ નોંધાવતા એ-ડિવીઝન પીઆઇ આર. જી. બારોટ સહિતના સ્ટાફે ગુનો નોંધી આરોપીને ઝડપી લેવા તપાસ શરૂ કરી છે.