સગાઈ કરાવવાના બહાને વિધિ કરી દાગીના અને રોકડ પડાવી લેનાર તાંત્રિક પકડાયો
- કોટડા સાંગાણીના સાંઢવાયા ગામે પટેલ પરિવાર સાથે છેતરપિંડી
કોટડા સાંગાણીના સાંઢવાયા ગામે રહેતો ભાવેશ પરસાણા નામનો યુવાન અંધશ્રદ્ધામાં લૂંટાયો હતો. યુવાનની સગાઈ ન થતી હોય તો વિધિ કરવી પડશે તેમ કહી જસદણ વિંછીયા રોડ તાલુકા પંચાયત પાછળ રહેતો જીવણભાઇ રામભાઇ આંકોલીયાએ રૂ.3.21 લાખની છેતરપિંડી કરી રોકડ અને દાગીના લઇ ફરાર થયેલા તાંત્રિકને પોલિસે ગણતરીના કલાકોમાં પકડી લીધો હતો.
અમિત રમેશ પરસાણાએ પોલીસ ફરિયાદમાં જણાવ્યું કે તેના મોટા ભાઈ ભાવેશ ઉર્ફે જીગાનું અગાઉ છૂટું થઈ ગયા બાદ સગાઈ થતી ન હોય જસદણના હરિભાઈ તરીકે પોતાની ઓળખ આપનાર શખ્સે પોતે રામાપીરનો ભગત હોવાનું કહી મોબાઈલ નંબર આપ્યો હતો. તમારા ભાઈની સગાઈ કરવા વિધિ કરવી પડશે તેમ કહી 51 રોકડ અને દાગીના વિધિમાં મુક્યા જે લઈ હરિ ફરાર થઇ ગયો હતો. આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા સી.સી.ટી.વી. કેમેરાની મદદથી પોતાને હારીભાઈ તરીકે ઓળખ આપનાર જીવણભાઇ રામભાઇ આંકોલીયાની ધરપકડ કરી રોકડ-દાગીના કબજે કર્યા હતા. પકડાયેલા જીવણ સામે અગાઉ આટકોટ પોલીસ મથકમાં છેતરપિંડીનો, અમરેલીના લાઠીમાં ચોરી અને વંડા પોલીસ મથકમાં ચોરીનો ગુનો નોંધાઇ ચૂક્યો છે.
