ધો.૧૨ સુધી ભણેલા શખ્સે દર્દીઓની સારવાર શરૂ કરી દીધી !
અગાઉ ક્રાઈમ બ્રાન્ચે પકડ્યા બાદ હવે એસઓજીએ દબોચ્યો: પાંચ મહિનાથી ધંધો કરતો’તો
રાજકોટ સહિત આખા ગુજરાતમાં બોગસ ડૉક્ટરોનો રાફડો ફાટ્યો હોય દર્દીઓના સ્વાસ્થ્ય સાથે ગંભીર પ્રકારના ચેડાં થઈ રહ્યા છે. આ ચેડાંને અટકાવવા માટે સરકાર દ્વારા પોલીસને બોગસ ડૉક્ટરો ઉપર તૂટી પડવા આદેશ છૂટતાં જ એક બાદ એકને પકડવામાં આવી રહ્યા છે. આવો જ એક બોગસ ડૉક્ટર મોરબી રોડ પર ક્લિનિક ચલાવી રહ્યો હોવાનું ધ્યાન પર આવતાં એસઓજીએ દરોડો પાડીને દબોચી લીધો હતો.
એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે મોરબી રોડ જકાતનાકા પાસે અક્ષરધામ સોસાયટી શેરી નં.૪માં ભાડાના મકાનમાં ચાલતાં ધ્વનિ ક્લિનિક પર દરોડો પાડી તબીબી પ્રેક્ટિસ કરી રહેલા હિરેન મહેશભાઈ કાનાબારને દવા, ઈન્જેક્શન સહિતના જથ્થા સાથે પકડી પાડ્યો હતો.
પૂછપરછમાં ખુલ્યા પ્રમાણે હિરેન છેલ્લા પાંચ મહિનાથી અહીં બોગસ ક્લિનિક ખોલીને બેઠો હતો અને દરરોજ મોટી સંખ્યામાં લોકોને દવા આપવા ઉપરાંત ઈન્જેક્શન મુકવું, બાટલો ચડાવવા, દાખલ કરી દેવા સહિતની સારવાર કરતો હતો. હિરેન પાસેથી બ્લડપ્રેશર માપવાનું મશીન સહિતનો સામાન પણ મળી આવ્યો હતો. હિરેન સામે એક વર્ષ પહેલાં ક્રાઈમ બ્રાન્ચે ગુનો નોંધી ધરપકડ કરી હતી આમ છતાં સુધરવાને બદલે ફરી તે અવળે પાટે ચડી ગયો હતો. હિરેને ધો.૧૨ સુધીનો જ અભ્યાસ કર્યો છે. અગાઉ તેણે કમ્પાઉન્ડર તરીકે નોકરી કરી હોય તેમાંથી ડૉક્ટર બનીને લોકોના સ્વાસ્થ્ય સાથે ખીલવાડ કરી રહ્યો હતો.