જસદણમાં કામ બાબતે પરિવારે ઠપકો આપતા નર્સિંગ છાત્રાએ કરી આત્મહત્યા
જસદણ તાલુકાના મદાવા ગામે રહેતી અને નર્સિંગનો અભ્યાસ કરતી યુવતીને કામ બાબતે પરિવારે ઠપકો આપતાં તેણી આત્મહત્યા કરી લેતા પરિવારમાં ઘેરો શોક છવાઈ જવા પામ્યો છે.અન્ય બનાવમાં ઉપલેટામાં રહેતા મહિલાએ બીમારીથી કંટાળી ઝેરી દવા પી જીવન ટૂંકાવ્યું હતું.
પ્રથમ બનાવની વિગત મુજબ જસદણ તાલુકાના મદાવા ગામે રહેતી 18 વર્ષીય યુવતી પોતાની વાડીએ હતી. ત્યારે ઝેરી દવા પી લેતા તેને સારવાર અર્થે જસદણ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી.અહી તેણીનું ચાલુ સારવારમાં મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યુ છે.પોલીસની પ્રાથમિક તપાસમાં યુવતીને ખેતી કામ કરતી વેળાએ કામ બાબતે પરિવાર સાથે ચડભડ થઈ હોય જેથી પરિવારે ઠપકો આપતા તેનું માઠું લાગી આવતા યુવતીએ પગલું ભર્યું હતું.તપાસમાં યુવતી રાજકોટમાં નર્સિંગનો અભ્યાસ કરતી હોવાનું પરિવારે જણાવ્યું હતું.
બીજા બનાવમાં ઉપલેટાના મહાવીર પાર્કમાં રહેતા પલ્લવીબેન કેતનભાઇ કપુપરા (ઉં.વ.45) નામના પરિણીતાએ રવિવારે પોતે પોતાના ઘરે હતા ત્યારે જંતુનાશક દવા પી લેતા તેને સારવાર અર્થે ઉપલેટા બાદ વધુ સારવાર અર્થે રાજકોટ સિવિલમાં ખસેડવામાં આવ્યા હતા.જ્યાં ચાલુ સારવારમાં મોત નીપજતાં પરિવારમાં શોકનું મોજુ ફરી વળ્યુ છે.પોલીસની પ્રાથમિક તપાસમાં પલ્લવીબેનને માનસિક બીમારી હોય જેથી કંટાળીને તેણીએ પગલું ભર્યું છે.બનાવ અંગે ઉપલેટા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથધરી છે.
