આર્યનગરમાં માતા-પિતા-પુત્રનો સજોડે આપઘાતનો પ્રયાસ
યુવકની પત્ની માવતરે ચાલી ગઈ હોવાથી ફોન પર ચડભડ થતા ઝેરી દવા ગટગટાવી : તમામ સારવાર હેઠળ
શહેરમાં આર્યનગર વિસ્તારમાં રહેતા યુવાન અને તેના માતા-પિતાએ સજોડે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કરતાં ત્રણેયને સારવાર માટે સિવિલમાં ખસેડાયા છે યુવાનની પત્નિ અઠવાડીયા પહેલા રેસકોર્ષ પાર્કમાં માવતરે જતી રહી હોય અને ગઈકાલે તેણીએ ફોન પર વાત કરતાં અલગ થવા મામલે ચડભડ થતા યુવાન અને તેના માતા-પિતાએ પગલું ભર્યું હતું.
વિગત મુજબ સામા કાંઠે આવેલ આર્યનગર શેરી નં. 2માં બાપા સિતારામ મઢુલી પાસે રહેતા ગૌરવભાઈ ભરતભાઈ કોટેચા (ઉ.વ.૩૫) નામના યુવાન તથા તેના માતા સરલાબેન ભરતભાઈ કોટેચા (ઉ.વ.૭૦) અને પિતા ભરતભાઈ શાંતિલાલ કોટેચા (ઉં.વ.૭૦) ગઈકાલ બપોરે ઝેરી દવા પી લેતા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે.તપાસમાં જાણવા મળ્યું હતું કે,ગૌરવભાઇને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પોતે બે બહેનના એકના એક નાના ભાઈ છે અને કુવાડવા રોડ સાત હનુમાન પાસે શો રૂમમાં નોકરી કરે છે. ગોરવભાઈના પત્નિનું નામ રાધીકાબેન છે. તેણીએ કહ્યું હતું કે ઘરમાં સાસુ-વહુ વચ્ચે ચડભડ થઇ હોય અઠવાડીયા પહેલા તેણી રેસકોર્ષ પાર્કમાં માવતરે જતી રહી હતી. ગઈકાલે પતિને ફોન કરીને એકાદ મહિનો અલગ રહેવા જતા રહીએ ઘરમાં ઝગડો શાંત થઇ જશે તેવી વાત કરતાં ફરીથી ચડભડ થઇ હતી. એ પછી પતિ પોતે દવા પી જાય છે તેમ કહી ફોન કટ કરી નાખ્યો હતો. ત્યારબાદ તેણી માવતરેથી સાસરે પહોંચતા રૂમમાં પતિ તેમજ સાસુ અને સસરા ત્રણેયને દવા પીધેલી હાલતમાં જોતાં તેઓને સિવિલ હોસ્પિટલમાં ખસેડયા હતાં. આ મામલે હોસ્પિટલ ચોકીના સ્ટાફે બી-ડિવીઝન પોલીસમાં જાણ કરતા તેઓએ વધુ તપાસ હાથધરી છે.