લંડનમાં દસ વર્ષની પુત્રીની ક્રૂર હત્યા કરી રાક્ષસ પિતા પાકિસ્તાન ભાગી ગયો
લંડનમાં એક નિર્દયી શખ્સે તેની દસ વર્ષની માસૂમ પુત્રીની કરેલી અતિ ક્રૂર અને ભેદી હત્યાએ પોલીસ અને જ્યુરીને પણ સ્તબ્ધ કરી દીધા હતા.પોલીસના જણાવ્યા અનુસાર 10 ઓગસ્ટ ના રોજ સારા શરીફ નામની આ આ બાળકીની હત્યા કરાયેલી લાશ તેના ફ્લેટમાંથી મળી આવી હતી.એ ઘટનાના બે દિવસ પહેલાં તેના પિતા ઉરફાન શરીફ, માતા બૈનેશ બાતુલ અને કાકા ફૈઝલ મલિક પાકિસ્તાન ભાગી ગયા હતા.ત્યાં પહોંચ્યા બાદ ઉરફાને યુકે પોલીસને ફોન કરી પોતે પોતાની પુત્રીને બહુ ખરાબ રીતે માર માર્યો હોવાનું જણાવ્યું હતું. એ ફોન પછી તપાસ કરતા બાળકીની લાશ મળી આવી હતી.
બાદમાં 13 મી તારીખે ઉરફાન પરત ફરતાં પોલીસે તેની ધરપકડ કરી હતી. તેણે પોતે પુત્રીને છેલ્લા કેટલાય દિવસથી ક્રિકેટના બેટ વડે માર મારતો હોવાની કબૂલાત આપી હતી.પુત્રીના હાથ, પગ અને ચહેરો પેકેજીંગ ટેપ થી બાંધી દીધા બાદ તેનું ગળું દબાવી ગરદનનું હાડકું તોડી નાખ્યું હોવાનું તેણે જણાવ્યું હતું.
લાશના પોસ્ટમોર્ટમમાં એ બાળકીના શરીરના 25 હાડકાં તૂટેલા જણાયા હતા.શરીર ઉપર ડામના અને બટકા ભર્યા હોવાના નિશાન હતા.આ નિર્દોષ બાળકી દિવસો સુધી તેના પિતાના અમાનવીય અત્યાચારનો ભોગ બની હતી.પુત્રીને આટલી ક્રૂરતાથી મારી નાખ્યાં બાદ પણ ઉરફાને પોતે દોષિત ન હોવાનું રટણ ચાલુ રાખી પોતે પુત્રીને કોઈ નુકસાન ન પહોચાડવા માંગતો હોવાનો દાવો કર્યો હતો.બાળકી મૃત્યુ પામી તે પછી પણ તેના શરીર ઉપર અનેક સ્થળે માર મારવામાં આવ્યો હોવાનું પોસ્ટમોર્ટમમાં ખુલ્યું હતું.હત્યાનું સાચું કારણ અને અન્ય સભ્યોની ભૂમિકા ચકાસવા પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે