પરા પીપળીયાના પ્રૌઢને લોન પર રહેલો ફ્લેટ વેચી રૂ.૧૦ લાખની છેતરપિંડી કરાઈ
બેંકમાં લોન ભરપાઈ ન કરતા બેંકે ફ્લેટ સીલ મારી દીધો : ગઠીયાએ દસ્તાવેજ પણ કરી ન આપ્યો : ગાંધીગ્રામ પોલીસે નોંધી ફરિયાદ
પરા પીપળીયામાં રહેતા પ્રૌઢે રાજકોટમાં દ્રારકેશ પાર્કમાં રહેતા શખસનો ફલેટ ખરીદવા માટે સોદો નક્કી કરી રૂ૧૦ લાખ આપ્યા હતા. પરંતુ બાદમાં આ શખસે પૈસાથી બેંક લોન ભરપાઈ કરી ન હોય બેંકે ફલેટમાં સીલ મારી દીધું હતું. ત્યારબાદ આરોપીએ પ્રૌઢને પૈસા પણ પરત ન આપ્યા કે બેંકની રકમ પણ ભરપાઈ ન કરી અને દસ્તાવેજ કરી આપ્યો ન હોય જેથી તેઓએ છેતરપિંડીની ગાંધીગ્રામ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
મળતી વિગતો મુજબ, જામનગર રોડ પર પરાપીપળીયામાં રહેતા અને ખેતીકામ કરનાર પાંચાભાઇ નારણભાઈ મૈયડ(ઉ.વ ૫૪) એ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવેલી ફરિયાદમાં આરોપી તરીકે રાજકોટમાં દ્રારકેશ પાર્ક શેરી નંબર.૬ ડ્રીમ સિટી સામે રૈયા રોડ પર રહેતા હિતેશ અમરાભાઇ હુંબલનું નામ આપ્યું છે.પાંચાભાઇએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, છ વર્ષ પૂર્વે હિતેશ જે મૂળ ફરિયાદીના ગામનો હોય તેથી તેમને ઓળખતા હોય તેનો ફલેટ પંચવટી એપાર્ટમેન્ટ ફલેટ નંબર ૧૨ ચોથો માળ રાજકોટ ખાતે આવેલો હતો આ ફલેટ વેચવાનો હોય અને ફરિયાદીને લેવો હોય જેથી હિતેશે ફલેટ બતાવ્યો હતો.
ફરિયાદીને આ ફ્લેટ પસદં આવતા ૧૧.૫૦ લાખમાં સોદો નક્કી થયો હતો આ સમયે હિતેશે કહ્યું હતું કે, આ ફ્લેટ પર રિલાયન્સ હાઉસિંગની લોન લીધી છે જેનો અસલ દસ્તાવેજ બેંકમાં પડ્યો છે અને હિતેશે કહ્યું હતું કે હું લોન ભરપાઈ કરી તમને અસલ દસ્તાવેજ છોડાવી તમારા નામે દસ્તાવેજ કરી આપીશ. બાદમાં હિતેશે રજીસ્ટર સાટાખત કરાર કરી આપ્યો હતો. જેના અવેજમાં ફરિયાદીએ ૧૦ લાખ રૂપિયા આપ્યા હતા. જેમાં ચાર મહિનામાં આ ફ્લેટ પર રહેલી લોન પૂરી કરી ફરિયાદીને દસ્તાવેજ કરી આપવાનો વાયદો આરોપીએ કર્યો હતો.ત્યારબાદ હિતેશે બેંકમાં રૂપિયા ભર્યા ન હતા. જેથી બેંકે આ ફલેટને સીલ મારી દીધું હતું. આ બાબતે ફરિયાદીએ હિતેશને વાત કરતા તેણે કહ્યું હતું કે, મારે પૈસાની જરૂર હતી એટલે મેં તમારા રૂપિયા અંગત કામ માટે ઉપયોગમાં લીધા છે.બાદમાં ફરિયાદીએ કહ્યું હતું કે તમે મને પૈસા પરત આપો કા ફલેટ છોડાવી દસ્તાવેજ કરી આપો. જેથી આરોપીએ કહ્યું હતું કે મારે જમીન વેચવાની છે તેના રૂપિયા આવવાના છે જેમાંથી હું તમને તમારા પૈસા આપી દઈશ. ત્યારબાદ આરોપીએ આજદિન સુધી ફરિયાદીને પૈસા પરત ન આપી કે ફલેટનો દસ્તાવેજ ન કરી આપતા અંતે તેના વિરુદ્ધ છેતરપિંડી અંગે આ ફરિયાદ નોંધાવી છે.