ઉત્તર, પૂર્વ, પશ્ચિમ, દક્ષિણ એમ ચાર ઝોનમાં ફેલાયેલી ટોળકીએ ગુજરાતના હજારો લોકોને માર્યું કરોડોનું બૂચ
જે કોઈનનું લિસ્ટિંગ જ નથી થયું તેના નામે વેપારીઓ પાસેથી ૪.૨૫ લાખ પડાવી લીધા બાદ થઈ ગયા ગાયબ
રાજકોટ જ નહીં બલ્કે આખા ગુજરાતમાં ચકચાર મચાવી દેનાર એક કા તીન નામનું બીઝેડ કૌભાંડ હજુ ગુંજી રહ્યું છે અને તેમાં ભાજપને પણ છાંટા ઉડ્યા છે ત્યારે આવું જ એક કૌભાંડ રાજકોટ સહિતના શહેરોમાં આકાર લઈ ગયાનો ઘટસ્ફોટ થવા પામ્યો છે. આ કૌભાંડમાં સામેલ ટોળકીએ હજારો લોકોને રોજનું ૪૦૦૦ વળતર મળશે તેવી લાલચ આપીને ફસાવ્યા બાદ કરોડો પડાવી લીધાનું ખુલ્યું છે. આ કૌભાંડને અંજામ આપનારી ટોળકીએ ઉત્તર, પૂર્વ, પશ્ચિમ અને દક્ષિણ એમ ચારેય ઝોનમાં પોતાની જાળ બિછાવીને લોકોને ખંખેરી લીધા હોવાનું બહાર આવ્યું છે.
આ અંગે સાબુનું હોલસેલ વેચાણ કરવાની એજન્સી ધરાવતાં મોહસીન રસીદભાઈ મુલતાની (રહે.કોઠારિયા રોડ)એ પોલીસ કમિશનરને સંબોધીને કરેલી અરજીમાં જણાવ્યું છે કે અંકલેશ્વરના ફિરોઝ દિલાવરભાઈ મુલતાની નામના શખ્સે બ્લોક ઓરા નામની કંપની શરૂ કરી હતી. આ કંપનીમાં નીતિન જગત્યાની ટેક્નીકલ મેનેજર-ભાગીદાર છે તો અમિત મનુભાઈ મુલતાની (રહે.અંકલેશ્વર) સૌરાષ્ટ્ર ઝોનનો હેડ તો અઝહરુદ્દીન સતારભાઈ મુલતાની માર્કેટિંગ હેડ અને મકસુદ સૈયદ ગુજરાત હેડ છે.
મોહસીન અમિત મનુભાઈ મુલતાનીને વર્ષોથી ઓળખતો હોય જૂન-૨૦૨૨માં તે રાજકોટ આવ્યો ત્યારે તેણે ક્યું હતું કે તે ક્રિપ્ટો કરન્સી ટીબેક' કોઈનનું કામ કરે છે જેમાં બ્લોક ઓરા કંપનીના
ટીબેક’ કોઈનમાં રોકાણ કરવાથી ખૂબ જ સારું વળતર મળશે. આ પછી અનેક વખત કંપનીની ઝૂમ મિટિંગ તેમજ મુંબઈ સ્થિત સહારા હોટેલમાં યોજાયેલી મિટિંગના વીડિયો પણ બતાવ્યા હતા.
સ્કિમ સમજાવ્યા બાદ અમિત મુલતાની અને ફિરોઝ મુલતાની તેમજ નીતિન જગદાણીએ લીંબડીમાં જ્ઞાતિનું અધિવેશન હતું ત્યાં મુલાકાત કરાવી હતી. આ વેળાએ મોહસીન મુલતાનીના મીત્ર સાહિલ મુલતાની, રહિદ મોહમદભાઈ જામ, જાવેદ બાબુભાઈ મુલતાની પણ હાજર હતા. આ વેળાએ ફિરોઝે કહ્યું હતું કે તેની કંપનીના એક આઈડીમાં ૪.૨૫ લાખનું રોકડથી રોકાણ કરાશે તો તમામને દરરોજ ચાર હજારનું વળતર મળશે.
આ પછી કોઈન લોન્ચ થો ત્યારે કેટલા રોકાણ પર કેટલું વળતર મળશે તે અંગેની માહિતી એક વેબસાઈટ ઉપર બતાવી હતી. આ વિશ્વાસના આધારે જૂલાઈ-ઑગસ્ટ ૨૦૨૨માં મીત્ર મનિષ લશ્કરી તેમજ જાવેદ મુલતાનીની હાજરીમાં ફિરોઝને કટકે કટકે ૧૩ લાખ રૂપિયા આપ્યા હતા જેનું રોકાણ બ્લોક ઓરા કંપનીમાં કર્યું હોવાનું બતાવી લોગઈન આઈડી અને પાસવર્ડ આપ્યો હતો. આ રોકાણ તેમજ મળનારા વળતરની રકમ કોઈનના સ્વરૂપમાં આઈડી ઉપર જોવા મળતી હતી પરંતુ જેવા પૈસા ઉપાડવાની વાત કરી એટલે એવો જવાબ અપાયો હતો કે થોડા સમયમાં કોઈન લોન્ચ થઈ જો એટલે તે કોઈનમાર્કેટ નામની વેબસાઈટ પર તેને વેચીને રકમ પરત મળી જશે.
જો કે ઘણો સમય વીતી ગયા બાદ પણ રકમ પરત નહીં મળતાં ઉપરોક્ત ટોળકીનો સંપર્ક કરાયો હતો ત્યારે એવો જવાબ મળ્યો કે સીસ્ટમમાં એરર આવી ગઈ હોવાથી પૈસા પરત મળવામાં થોડો સમય લાગી જશે. આ પછી કોઈન માર્કેટ નામની વેબસાઈટ ઉપર તપાસ કરતાં બ્લોકઓરા કે ટીબેક પૈકીનો એક પણ કોઈ લિસ્ટીંગ થયો ન હોવાનું ધ્યાન પર આવ્યું હતું.
ટોળકીએ માત્ર રાજકોટના જ ૧૨ લોકો પાસેથી ૭૧.૧૭ લાખ પડાવી લીધા
ફિરોઝ મુલતાની, નીતિન જગત્યાની, અમિત મુલતાની, અઝહરુદ્દીન મુલતાની અને મકસુદ સૈયદ એમ છ લોકોએ બોગસ કંપની ઉભી કરી માત્ર રાજકોટના જ ૧૨ લોકો પાસેથી ૭૧.૧૭ લાખ રૂપિયા પડાવી લીધા હોવાનો આક્ષેપ પોલીસ કમિશનરને કરાયેલી અરજીમાં કરવામાં આવ્યો છે. આ ટોળકીએ ૪.૯૨ લાખથી લઈ ૧૩ લાખ સુધીની રકમ ઉસેડી લીધા બાદ નવ દો ગ્યારહ થઈ જતાં વેપારીઓને માથે ઓઢીને રોવાનો વખત આવ્યો હતો.
અમે ફરિયાદ કરવા ગયા તો તાલુકા પોલીસ મથકના સ્ટાફે કહ્યું, અરજી કરી દ્યો !
કોઠારિયા રોડ પર બરકાતીનગરમાં રહેતા મોહસીન મુલતાનીએ જણાવ્યું કે પોતાના ઉપરાંત રાજકોટના ૧૨ લોકો સાથે કૌભાંડ થયું હોવાનું ધ્યાન પર આવતાં જ બધાં તાલુકા પોલીસ મથક ખાતે ફરિયાદ કરવા ૬ જાન્યુઆરીએ પહોંચ્યા હતા. જો કે ત્યાંના સ્ટાફ દ્વારા ફરિયાદ લેવાની જગ્યાએ અરજી કરવાનો જ આગ્રહ રાખતાં અરજી આપવામાં આવી હતી પરંતુ ૧૧ દિવસ વીતી ગયા છતાં કોઈ જ કાર્યવહી નહીં થતાં આખરે પોલીસ કમિશનર પાસે દોડી આવ્યા હતા.
રાજકોટ જ નહીં આખા ગુજરાતમાં કૌભાંડ ફેલાયેલું: સુરતમાં ગુનો પણ નોંધાયો’તો
અરજદાર મોહસીન મુલતાનીએ જણાવ્યું કે આ ટોળકીએ ચારેય ઝોનમાં માણસો ગોઠવ્યા હતા અને તેમના દ્વારા આ જ પદ્ધતિથી લોકો પાસેથી પૈસા પડાવી લેવામાં આવ્યા છે. એકંદરે રાજકોટમાં જ ૪૦થી વધુ લોકો ફસાયા હોવા ઉપરાંત આખા ગુજરાતમાં હજારો લોકોના પૈસા ડૂબી ગયા છે. સુરત પોલીસે આ ટોળકી સામે ગુનો નોંધી અનેકની ધરપકડ પણ કરી હતી.