ગ્રીનલેન્ડ ચોકડી પાસે રીઢા બુટલેગરે સાગરીતો સાથે મળી બે ભાઈઓ પર કર્યો હુમલો
પોતે જેલમાં ગયો હોય તેનો ખર્ચ માંગીને કારમાં ઘસી જઈ ધમાલ મચાવી : બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ
રાજકોટમાં રીઢા બુટલેગર પ્રતીક ચંદારાણાએ કરી લખણ ઝળકાવ્યા છે. માંડા ડુગર પાસે સદગુરૂ પાર્ક પાસે શિવમ સોસાયટીમાં રહેતા યુવાનના ઘરે જઈ પોતે જેલમાં ગયો હોય તેનો ખર્ચ માંગી ઝઘડો કર્યો હતો.જેથી ડરી જઈ યુવાન તથા તેનો પરિવાર ગ્રીનલેન્ડ ચોકડી પાસે દાદાના ઘરે ચાલ્યો ગયો હતો દરમિયાન રાત્રિના પ્રતિક તથા તેના ત્રણ સાગરીતોએ અહીં નંબર પ્લેટ વગરની બોલેરો કારમાં ધસી જઈ યુવાન તથા તેના ભાઈઓ પર હુમલો કરી મારી નાખવાની ધમકી આપતા બી ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
વિગતો મુજબ, આજીડેમ ચોકડી પાસે માંડા ડુંગર નજીક શિવમ સોસાયટીમાં રહેતા હિરેન મહેશભાઈ ગરચર (ઉ.વ ૨૨) નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે પ્રતીક દિલીપભાઈ ચંદારાણા અને તેની સાથેના ત્રણ અજાણ્યા શખસોના નામ આપતા જણાવ્યું હતું કે, સાતેક માસ પૂર્વે તેમના જ લતામાં રહેતા પ્રતીક ચંદારાણાને નરેશભાઈ સાથે મારામારી થઇ હતી, જે ગુનામાં ત્રણેક મહિના સુધી જેલમાં રહ્યા બાદ પ્રતીકે છૂટી જેલમાં થયેલા ખર્ચ અને ઘર ખર્ચના રૂપિયાની માંગણી કરી ફરિયાદીને હેરાન કરતો હોય જેથી ફરિયાદી પોતાના પરિવાર સાથે ગ્રીનલેન્ડ ચોકડી પાસે લાલપરી નજીક શેરીમાં રહેતા તેના દાદા રમેશભાઈ ગોવિંદભાઇ ગળચરના ઘરે રોકાવા આવી ગયા હતા.
દરમિયાન ગઇકાલ રાત્રિના હિરેન તથા તેનો પરિવાર તેના દાદાના ઘરે હતા ત્યારે ત્રણેક વાગ્યા આસપાસ ડેલી ખખડાવાનો આવાજ આવ્યો હતો જેથી બહાર જઈ જોતા શેરીમાં નંબર પ્લેટ વગરની કાળા કલરની બોલેરો કાર ઊભી હોય તેમાં પ્રતિક તથા તેની સાથે ત્રણ અજાણ્યા શખસો હોય અને તેઓ બોલેરોમાંથી હોકી કાઢી ઘર પાસે આવી ફરિયાદીના માતા સાથે ઝગડો કરવા લાગ્યા હતા.અને ફરિયાદી થતાં તેના ભાઈને હોકી વડે માર માર્યો હતો. અને મારી નાખવાની ધમકી આપીને ભાગી ગયા હતા.જેથી આ મામલે પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.