હેરાન નહીં કરવાના બદલામાં ૧૦૦૦ની લાંચ લેનાર GISFનો સુપરવાઈઝર પકડાયો
ક્રિસ્ટલ મોલ સામે જ એસીબીની સફળ ટે્રપ
અલગ-અલગ પ્રકારના કામની પતાવટ માટે લાંચ માગ્યાના અનેક કિસ્સાઓ બની ચૂક્યા છે જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. જો કે આ વખતે જે કિસ્સો બન્યો છે તે અત્યંત વિચિત્ર પ્રકારનો છે જેમાં જીઆઈએસએફના સુપરવાઈઝરે ગાર્ડ તરીકે નોકરી કરતાં એક કર્મીને ખોટી રીતે હેરાન નહીં કરવાના બદલામાં ૧૦૦૦ની લાંચ માંગી હતી લાંચની રકમ સ્વીકારે તે પહેલાં જ એસીબીએ સફળ ટે્રપ કરી આરોપીને દબોચી લીધો હતો.
એસીબીના ઈન્ચાર્જ એસીપી કે.એચ.ગોહિલના માર્ગદર્શન હેઠળ પીઆઈ એ.આર.ગોહિલે કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ સામે રસ્તા પર ઉભા રહીને લાંચની રકમ સ્વીકારતાં જગુભાઈ રામભાઈ વાંજા (ઉ.વ.૪૭, જીઆઈએસએફ સુપરવાઈઝર (કરાર આધારિત ૧૯૯૭થી)ને લાંચની ૧૦૦૦ની રકમ સાથે પકડી લીધો હતો. જગુએ જીઆઈએસએફ-રાજકોટમાં ગાર્ડ તરીકે નોકરી કરતાં કર્મીને નોકરીમાં પોતાનો તેમજ ફરજનો પોઈન્ટ નહીં બદલવા તેમજ નોકરીમાં ખોટી રીતે હેરાનગતિ નહીં કરવાના બદલામાં ૧૦૦૦ની લાંચ આગી હતી. જો કે લાંચ આપવા ફરિયાદી ઈચ્છુક ન હોય તેણે એસીબીને જાણ કરતાં એસીબીએ તાત્કાલિક છટકું ગોઠવીને જગુ વાંજાને પકડી લીધો હતો.