એસ્ટ્રોન ચોકના નાલા પાસે જાહેરમાં યુવતીએ ગળાફાંસો ખાધો
PGમાં બહેનપણીઓ સાથે હોવાથી ત્યાં મેળ ન પડતાં
જુનાગઢની યુવતી રાજકોટમાં જાગનાથ પ્લોટમાં રહેતી હતી: સરકારી નોકરી ન મળતા નાલાની રેલિંગમાં ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું
રાજકોટમાં જાગનાથ પ્લોટમાં પીજીમાં રહેતી અને મૂળ જૂનાગઢની યુવતી સરકારી નોકરી ન મળતા આર્થિકભીંસમાં આવી એસ્ટ્રોન ચોક પાસેના નાળામાં રેલિંગમાં ચુંદડી બાંધીને જાહેરમાં ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતાં જ એ ડિવિઝન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને તેના મૃતદેહને ઉતારી પીએમ સાથે ખસેડ્યો હતો. જ્યારે પરિવારની આધારસ્તંભ યુવતીએ જીંદગીની જંગ હારી જીવન ટૂંકાવી લેતા શોકની લાગણી પ્રસરી જવા પામી છે.
બનાવની મળતી વિગતો મુજબ જુનાગઢના કેરાળા ગામની વતની અને હાલ રાજકોટના ન્યુ જાગનાથમાં શેરી નં.25માં પીજીમાં રહેતી અને હેવલ્સ કંપનીના શો રૂમમાં નોકરી કરતી સરકારી પરીક્ષાની તૈયારીઓ કરતી નીતાબેન કાળુભાઇ સોલંકી (ઉ.વ.28)નામની યુવતીએ એસ્ટ્રોન ચોકના નાલામાં મોડી રાત્રે ગળેફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. બનાવની જાણ થતા એ ડીવીઝન પોલીસ મથકનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. અને બનાવની પરિવાર અને તેની સાથે રહેતી બહેનપણીઓને જાણ કરી હતી. અને પ્રાથમિક પૂછતાછમાં જાણવા મળ્યું હતું કે, જુનાગઢના કેરાળા ગામની નીતાબેન છેલ્લા ઘણા વખતથી રાજકોટમાં આવી સરકારી નોકરીની તૈયારીઓ કરતી હતી.અને બેથી ત્રણ વાર તેને સરકારી પરીક્ષાઓ આપી હતી પરંતુ તેમ પાસ ન થતાં પોતાના હવે સરકારી નોકરી નહિ મેળવી શકે તેવા ડર અને ચિંતામાં તેણીએ આ પગલું ભરી લીધું હતું.મૃતક નિતાબેન રાત્રિના 10 વાગ્યાથી જ પોતાના રૂમેથી ચાલ્યા ગયા હતા. બાદ તેને એસ્ટ્રોન ચોકના નાલામાં આવેલી રેલિંગમાં ચુંદડી બાંધી ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. અને પોલીસને મૃતદેહ પાસેથી તેણીનો મોબાઈલ પણ મળી આવતા તે કબજે કરી વધુ તપાસ શરૂ રાખી છે.
પિતાના અવસાન બાદ ત્રણ બહેન અને અપંગ ભાઇનો નિતાબેન આધારસ્તંભ હતી
આ બનાવ મામલે પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું કે, મૃતક નીતાબેનના પિતાનું 17 વર્ષ પૂર્વે અવસાન થયું હતું.અને પોતે ઘરમાં મોટી બહેન હોવાથી તેના પર ત્રણ બહેન અને અપંગ ભાઇની જવાબદારી આવી હતી. જેથી પરિવારનું ગુજરાન ચલાવવા પોતે રાજકોટ આવી શોરૂમમાં નોકરી કરી સરકારી નોકરી મેળવવાની તૈયારીઓ કરતી હતી. પરંતુ લાંબા સમય સુધી સરકારી નોકરી ન મળતા તે ચિંતામાં હતી. અને બાદ તેણીએ કંટાળીને આ પગલું ભરી લીધું હતું.
એસ્ટ્રોન ચોકના નાલામાં સપ્તાહમાં બીજીવાર આપઘાતનો બનાવ બનતા ચકચાર
એસ્ટ્રોન ચોકના નાલામાં સપ્તાહમાં બીજી વાર આપઘાતનો બનાવ બનતા ચકચાર મચી જવા પામી છે. જેમાં રવિવારે હનુમાન મઢી ચોક પાસે શિવપરા સોસાયટીમાં રહેતા અને ફૂડ ડિલેવરીનું કામ કરતાં ચનાભાઈ ઉર્ફે ગોપાલભાઈ નવઘણભાઈ પરમાર નામનો 20 વર્ષીય યુવકે આપઘાત કર્યો હતો. બાદ ગઇકાલે નિતાબેન નામની યુવતી ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. જેથી એક સપ્તાહમાં નાલામાં આપઘાતનો બીજો બનાવ બન્યો છે.