જે સામે મળે તેને લૂંટી લેવાના ઈરાદે નીકળેલી લૂંટારુ ટોળકી પકડાઈ
ભગવતીપરા પાસે યુવકની હત્યાનો પ્રયાસ કર્યો : જૂના માર્કેટિંગ યાર્ડ પાસે બે યુવકને લૂંટી છરી મારી : બી ડિવિઝન પોલીસે સગીર સહીત ચારની ધરપકડ કરી
રાજકોટમાં રવિવાર રાત્રિના બે કલાકના અંતરમાં બે લૂંટ અને બે ખૂની હુમલાની ઘટનાને અંજામ આપનાર ટોળકીને બી-ડિવીઝન પોલીસે ઝડપી લીધી છે. જે સામે મળે તેને લૂંટી લેવાના ઈરાદે આ ટોળકી નીકળી હતી.અને ચાર ગુનાને અંજામ આપ્યો હતો.જેમાં પોલીસે પકડેલી ચાર શખ્સોની આ ટોળીમાં એક સગીર પણ છે.
વિગત મુજબ ભગવતીપરા ફાટક પાસે હાર્દિક ઉર્ફ હિતેષ નટુભાઇ ચૌહ્મણ (ઉ.વ.૨૪) નામનો યુવાન રવિવારે રાતે ત્રણ અજાણ્યા શખ્સોએ ફાકી માંગતા તેણે ફાકી ન હોય ના પાડતાં જે હોય તે આપી દેવાનું કહી પેટમાં છરી ભોંકી આંતરડા કાઢી નાંખી હત્યાનો પ્રયાસ કર્યો હતો અને ત્રણેય ભાગી ગયા હતાં. બાદમાં આ ત્રણ શખસો સાથે અન્ય એક શખ્સ મળી જતાં ચારેય આરોપીએ જુના માર્કેટ યાર્ડ નજીક માલધારી સોસાયટીમાં પણ આતંક મચાવ્યો હતો. જેમાં પાણીપુરીની લારીવાળા યુપીના દિપક અમરસિંગ નિશાદ (ઉ.વ.૨૪)ને છરી ઝીંકી રૂપિયા ૧૫૦૦ અને મોબાઇલ તથા હિતેષભાઇ ડાંગરને ગળે છરી મુકી દસ હજાર લૂંટી લીધી હતી.આ મામલે ફરિયાદ થતાં પોલીસ દ્વારા લૂંટને અંજામ આપનાર સની ઉફ ચડીયો કલુભાઈ ઉધરેજીયા (ઉ.વ.૧૮-રહે. ભગવતીપરા),સાગર શામજીભાઈ ઉધરેજીયા (ઉ.વ.૧૮), શિવરાજ વિનુભાઇ ઉધરેજીયા (ઉ.વ.૨૧-રહે. લાલપરી તળાવ પાસે) તથા એક સગીર મળી ચારની ધરપકડ કરી હતી.
પોલીસે આ ચારેય પાસેથી તમામ મુદ્દામાલ કબ્જે કરાયો છે. ચારેયએ રટણ કર્યું હતું કે પોતે લૂંટ કરવાના ઇરાદા સાથે જ નીકળ્યા હતાં અને જે મળે તેને લૂંટી લેવાનો પ્લાન બનાવ્યો હતો. જેમાં ના પ્રતિકાર કરનારાઓને છરીઓ ઝીંકી દીધી હતી.હાલ આરોપીઓને રિમાન્ડ પર લેવામાં આવ્યા છે.