મેટોડામાં લાયસન્સ વગર ફટાકડાનો સ્ટોલ કરનાર વેપારી સામે ગુનો નોંધાયો
બે દિવસથી ફટાકડાનો સ્ટોલ કર્યાની કબૂલાત : રૂરલ એસ.ઓ.જીની ટીમે 1.28 લાખનો મુદામાલ કબજે કર્યો
રાજકોટ ટીઆરપી અગ્નિકાંડની ઘટના બાદ ફટાકડાના ગોડાઉન અને સ્ટોલ નાખવા મામલે નિયમો કડક બનાવવામાં આવ્યા છે.ત્યારે રાજકોટ ગ્રામ્ય એસોજીની ટીમે મેટોડા જીઆઇડીસીમાં ગેટ નંબર-3 પાસે લાયસન્સ કે મંજૂરી વગર ગેરકાયદે ફટાકડાનો સ્ટોલ ખોલનાર વેપારીને ઝડપી લઇ રૂ.1.28 લાખનો મુદ્દામાલ કબજે કરી તેની સામે ગુનો નોંધ્યો છે.
માહિતી મુજબ એસઓજી પી.આઈ એફ.એ.પારગીના માર્ગદર્શનમાં એસ.ઓ.જી પી.એસ.આઇ બી.સી.મિયાત્રા તથા તેમની ટીમ જિલ્લામાં ક્યાંય ગેરકાયદે ફટાકડાનું વેચાણ થાય છે કે કેમ? તે અંગે તપાસમાં હતી તે દરમિયાન મેટોડા જીઆઇડીસીમાં ગેટ નંબર-3 પાસે ચેકીંગ કરતા યાજ્ઞિક શૈલેષભાઈ જરવરીયા (રહે.મેટોડા જીઆઇડીસી ગેટ નંબર.3) નામના વેપારીએ ફટાકડા વેચવા બાબતે જરૂરી મંજૂરી કે લાઇસન્સ લીધું ન હોવાનું માલુમ પડતા તેની સામે ગુનો નોંધી અલગ- અલગ પ્રકારના સ્ફોટક ધડાકા વાળા ફટાકડા કિંમત રૂપિયા 1,28,478 નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.જયારે તેને આ સ્ટોલ બે દિવસથી કર્યા હોવાની કબૂલાત આપી હતી.