સ્ટિલના કારખાનામાં ચાલતી જુગાર ક્લબ પર ક્રાઈમ બ્રાન્ચનો દરોડો
ધ્રુવ પટેલે બહારથી માણસો ભેગા કરી જુગાર શરૂ કર્યો’તો: ૨.૨૭ લાખના મુદ્દામાલ સાથે સાત વેપારી પકડાયા
સ્ટેટ મોનિટરિંગ સેલે થોરાળા વિસ્તારમાં છેલ્લા ત્રણેક મહિનાથી ધમધમતા વરલી-મટકાના જુગારધામ ઉપર દરોડો પાડી શહેર પોલીસની આળસને ઉજાગર કર્યા બાદ ક્રાઈમ બ્રાન્ચે જુગાર ક્લબ ઉપર ત્રાટકવાનું શરૂ કર્યું છે. આવી જ એક જુગાર ક્લબ સુભાષનગર મેઈન રોડ પર આવેલા પ્રમુખ સ્ટિલ નામના કારખાનામાં ધમધમી રહી હતી જેના ઉપર દરોડો પાડીને ૨.૨૭ લાખના મુદ્દામાલ સાથે સાત વેપારી પકડાયા હતા.
ક્રાઈમ બ્રાન્ચ પીએસઆઈ એમ.જે.હુણ સહિતની ટીમે સુભાષનગર મેઈન રોડ પર જાનકી પાનની પાછળ બંધ શેરીમાં પ્રમુખ સ્ટીલ નામના કારખાનામાં દરોડો પાડી ધ્રુવ અનિરુદ્ધભાઈ કાકડિયા (ઉ.વ.૨૫), જયેશ ટપુભાઈ ઘરસુડિયા (ઉ.વ.૪૦), નિકુંજ બાવાભાઈ પરસાણશ, હિરેન દામજીભાઈ ગઢીયા, સુનિલ રમણીકભાઈ માટલિયા, અનિલ કાલીદાસભાઈ ઉર્ફે કાળાભાઈ જાદવ અને ભાવેશ વસંતભાઈ કગથરા (ઉ.વ.૪૨)ને પકડી પાડ્યા હતા.
પોલીસ પૂછપરછમાં ખુલ્યા પ્રમાણે કારખાનાની માલિકી ધ્રુવ અનિરુદ્ધભાઈ કાકડિયાની છે અને તેના દ્વારા જ બહારથી અન્ય વેપારીઓને ભેગા કરીને જુગાર રમાડવામાં આવી રહ્યો હતો. આ જુગાર ક્લબ ઘણા સમયથી ચાલી રહી હોવાની શક્યતા વ્યક્ત કરાઈ રહી છે. પોલીસે સ્થળ પરથી ૨,૨૭,૨૫૦ રૂપિયાની રોકડ પણ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.