મુંદ્રાના બે ખેડૂત સાથે રૂ.24.42 લાખની છેતરપિંડી કરનાર વેપારી રાજકોટથી પકડાયો
ઓનલાઈન એપ્લિકેશન ડાઉનલોડ કરાવી ઇન્વેસ્ટના નામે ૫૦ હજારથી ૨ લાખની આવકની લાલચ શીશામાં ઉતાર્યા
કચ્છના મુંદ્રાના બે ખેડૂત સાથે રૂ. 27.42 લાખની છેતરપિંડી કરનાર મૂળ વાંકાનેરના કાપડના વેપારી અમીન દાઉદભાઇ સલોતને રાજકોટ એસઓજીએ સદર બજાર માંથી ઝડપી લઈ સાયબર ક્રાઇમ બોર્ડર રેન્જ ભુજ કચ્છ પોલીસને સોંપવા તજવીજ શરૂ કરી છે.
મુંદ્રાના ઝરપરા ગામે રહેતાં ખેડૂત રાજદે નાગશીભાઇ ગઢવી અને તેના મિત્ર ધનરાજ વિશ્રામભાઇ સાખરાને ફોરેક્સ વર્લ્ડ (યુકે)માં ઇન્વેસ્ટ કરવાથી ૫૦ હજારથી ૨ લાખની આવક મેળવવાનો મેસેજ કરી બંનેને એપ્લીકેશન ડાઉનલોડ કરાવડાવી ઠગાઇ કરવામાં આવી હતી. એપ્લીકેશન ડાઉનલોડ કરાવનારે આપેલી માહિતી મુજબ પ્રથમ રકમ જમા થઇ ગઇ હતી. આથી વિશ્વાસ આવતાં અલગ અલગ એકાઉન્ટ નંબરો તથા યુપીઆઇ આઇડીમાં કુલ રૂા. ૨૧,૮૨,૫૬૨ ટ્રાન્સફર કરી દીધા હતાં. મિત્ર ધનરાજ સાખરા સાથે પણ ફોરેક્સ એપ્લીકેશનમાં રોકાણના નામે રૂા.૫,૬૦,૩૧૦ ટ્રાન્સફર થયા બાદ પણ નફાની રકમ ખાતામાં ટ્રાન્સફર ન થતાં અમીન અને અને તેના સાગરીતનો સંપર્ક કરતાં ૧૦ ટકા બ્રોકરેજ, પાંચ ટકા ટેક્ષ ભરવાનું કહેતા તે રકમ પણ ભરપાઈ કર્યા પછી પણ રકમ નહિ આપી છેતરપિંડી કરી હતી. આ અંગે ગત તા ૨૯/૨/૨૪ના રોજ ફરિયાદ નોંધાઈ હતી.જેમાં પોલીસે એક ભેજાબાજને ઝડપી લીધો હતો.
આ ગુનાનો આરોપી કાપડનો વેપારી મુળ મોરબીના વાંકાનેરનો વતની અને યાજ્ઞિક રોડ નિરજ એપાર્ટમેન્ટ બીજા માળે ફલેટ નં. ૨૦૨માં રહેતો અમીન દાઉદભાઇ સલોત રાજકોટ સદર બજાર ખાતે હોવાની પાક્કી બાતમીને આધારે એસઓજીએ પકડી પાડી સાયબર ક્રાઇમ બોર્ડર રેન્જ ભુજ કચ્છ પોલીસને સોંપવા તજવીજ કરાઇ હતી.
ડીસીપી પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી ક્રાઇમ બી. બી. બસીયાની સૂચનાને આધારે એસઓજી પીઆઇ જે. એમ. કૈલા અને તેમની ટીમે કામગીરી કરી હતી.