પુત્રવધુને ચડાવવા માટેના રૂા.4.84 લાખના દાગીના ભરેલા થેલાની કાર માંથી ઉઠાંતરી
ગોંડલના શ્રીનાથગઢ ગામનો બનાવ:સીસીટીવીના આધારે પોલીસે તપાસ શરૂ કરી
ગોંડલના શ્રીનાથગઢ ગામે પુત્રવધુને ચડાવવા માટેના રૂા.4.84 લાખના સોના ચાંદીના ભરેલા દાગીના ભરેલા થેલા ચોરી થતાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જાનમાથી પરત આવ્યા બાદ પુત્રવધુને ચડાવવાના દાગીના ઈકો કારમાં જ રાખી દીધા હતાં જે ઈકો કારને તસ્કરોએ નિશાન બનાવી કરી ચોરી ગયા હતા.
ગોંડલના શ્રીનાથગઢ ગામે આંબેડકરનગરમાં રહેતા અને નિવૃત્ત જીવન જીવતા જેન્તીભાઈ કાલાભાઈ બાબરીયા (ઉ.63)એ સુલતાનપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે તેમના દિલ્હી ખાતે રહેતા પુત્ર શાંતિલાલના ગત તા.10-2-2024નાં સુરેન્દ્રનગરથી નિલમ ગજેન્દ્ર ચાવડા સાથે લગ્ન થયા હતાં. શ્રીનાથગઢ ગામેથી સુરેન્દ્રનગર જાન ગઈ હતી અને સાંજે જાન પરત ફરી હતી. પુત્રવધૂને ચડાવવા માટેના 4,35,000ની કિંમતના 146 ગ્રામ સોનાના દાગીના અને 49 હજારની કિંમતના 1400 ગ્રામ ચાંદીના દાગીના મળી કુલ રૂા.4.84 લાખની કિંમતના દાગીના ભરેલ થેલો ઈકો ગાડીમાં રાખ્યો હોય ત્રણ કલાક રેઢી પડેલી ઈકો કારમાંથી તસ્કરો દાગીના ભરેલ થેલો ઉઠાવી ગયા હતાં સુરેન્દ્રનગરથી જાન પરત ફર્યા બાદ ઘરે ધાર્મિક વિધી પૂર્ણ કર્યા બાદ રાત્રે 11 વાગ્યે દાગીના ભરેલ થેલો યાદ આવતાં ઈકો કારમાં તપાસ કરવા જતાં થેલો ચોરાઈ ગયાનું જાણવા મળ્યું હતું. પોલીસે આ અંગે ગુનો નોંધી સીસીટીવી ફુટેજના આધારે તસ્કર ગેગની તપાસ હાથ ધરી છે
