‘દિવાળી ભારે’: ગુજરાતમાં ૯૨૧ અકસ્માત, ૩૨૩ સ્થળે મારામારી, ૩૮ દાઝ્યા
મારામારી-અકસ્માત-દાઝવામાં અમદાવાદ મોખરે પેટા: રાજકોટ શહેર-જિલ્લામાં ૪૮ અકસ્માત, ૧૮ મારામારી, ત્રણ લોકો દાઝી ગયા
સવારથી લઈ મોડી રાત સુધી ૧૦૮ સતત દોડતી રહી
સામાન્ય દિવસો કરતાં દિવાળી પર મારામારીમાં ૧૨૪.૩૧%, અકસ્માતમાં ૯૨%નો ઉછાળો
દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજકોટ સહિત આખા ગુજરાતે મન ભરીને દિવાળીનો લુત્ફ ઉઠાવ્યો હતો. જો કે આ વર્ષની દિવાળી પ્રમાણમાં થોડી
ભારે’ રહી હોય તેવું ૧૦૮ પાસેથી પ્રાપ્ત થયેલા આંકડા પરથી લાગી રહ્યું છે. દિવાળીના તહેવારને કારણે ૧૦૮ સવારથી લઈ મોડી રાત સુધી દોડતી રહી હતી જેના કારણે અનેક લોકોના જીવ બચ્યા હતા. મળેલા આંકડા પ્રમાણે ગુજરાતમાં એક જ દિવસમાં ૯૨૧ અકસ્માત, ૩૨૩ સ્થળે મારામારી અને ૩૮ લોકો દાઝ્યા હોવાની નોંધ થઈ છે.
રાજકોટની વાત કરવામાં આવે તો શહેર અને જિલ્લામાં ૪૮ સ્થળે અકસ્માત થયા હતા તો ૧૮ સ્થળે મારામારીની ઘટના બનતાં ૧૦૮એ તુરંત પહોંચી જઈને ઘાયલોને હોસ્પિટલે પહોંચાડ્યા હતા. જ્યારે દાઝી ગયાના ત્રણ કોલ મળતાં ત્રણેયને હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.
આ ત્રણેય બનાવમાં અમદાવાદ આખા ગુજરાતમાં મોખરે રહ્યું હતું. અમદાવાદમાં ૭૭ સ્થળે મારામારી થવા પામી હતી. સામાન્ય દિવસોમાં મારામારીના બનાવ ૩૫ આસપાસ રહે છે પરંતુ દિવાળી પર તેમાં ૧૨૦%નો વધારો થવા પામ્યો હતો. આ જ રીતે રાજકોટની વાત કરવામાં આવે તો દિવાળી પર ૧૮ સ્થળે મારામારી થઈ હતી જે સામાન્ય દિવસ કરતા ૧૫૭.૧૪% વધુ છે. અન્ય દિવસોમાં રાજકોટમાં ૧૦૮ને મારામારીના ૭ કોલ મળતા હતા. જ્યારે રાજકોટમાં અકસ્માતના ૪૮ કોલ મળ્યા હતા જે સામાન્ય દિવસ કરતા ૯૨% વધારે છે.