નિવૃત્ત શિક્ષકને ડિઝિટલ અરેસ્ટ’ કરનારી ગેંગમાં સામેલ MBAના વિદ્યાર્થી સહિત ૮ પકડાયા
ચાર મહિના પહેલાં ફસાવી પડાવ્યા'તા ૫૬ લાખ: જૂનાગઢ, અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં સાયબર ક્રાઈમના દરોડા
તમામે કમ્બોડિયાની ગેંગને પોતાના ખાતા ભાડે આપી કમીશન ખાધું'તું: ધરપકડનો આંક હજુ પણ વધશે
રાજકોટ સહિત આખા દેશમાં નિર્દોષ લોકોને અવનવા કેસમાં નામ ખુલ્યાનો ડર બતાવી
ડિઝિટલ અરેસ્ટ’ મતલબ કે ઘરમાં જ કેદ કરીને લાખો-કરોડો રૂપિયા પડાવી લેવાના કિસ્સા એક બાદ એક પ્રકાશમાં આવી રહ્યા છે ત્યારે રાજકોટમાં આવો ત્રીજો કિસ્સો બનવા પામ્યો હતો. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા ડિઝિટલ અરેસ્ટ'ને લઈને ચિંતા વ્યક્ત કરવાની સાથે લોકોને આ પ્રકારની કારીગરીમાં નહીં ફસાવા માટેની અપીલ કરવા છતાં તેની કોઈ જ અસર થઈ ન રહ્યાનું સામે આવી રહ્યું છે.
દરમિયાન ત્રણેક મહિના પહેલાં રાજકોટના નિવૃત્ત શિક્ષકને
ડિઝિટલ અરેસ્ટ’ કરી ૫૬ લાખ પડાવી લેનારી ગેંગમાં સામેલ એમબીએના વિદ્યાર્થી સહિત આઠ લોકોને સાયબર ક્રાઈમે સકંજામાં લઈ લીધા હોવાનું જાણવા મળી રહ્યું છે.
ચાર મહિના પહેલાં નિવૃત્ત શિક્ષક મહેન્દ્રભાઈ અંદરજીભાઈ મહેતા (ઉ.વ.૭૩)ને વોટસએપ ઉપર એક ફોન આવ્યો હતો જેમાં તેમનું નામ છેતરપિંડીમાં ખુલ્યું હોવાનું કહીને અરેસ્ટ વોરંટ નીકળ્યાની ધમકી આપવામાં આવી હતી. આ પછી ડરી ગયેલા મહેન્દ્રભાઈએ અલગ-અલગ બેન્કમાં ૫૬ લાખ જેવી માતબર રકમ ચૂકવી આપી હતી.
આ અંગેની ફરિયાદ નોંધાતાં જ સાયબર ક્રાઈમ પોલીસ મથકના પીઆઈ બી.બી.જાડેજા સહિતની ટીમે જૂનાગઢ, અમદાવાદ, સુરત અને બનાસકાંઠામાં દરોડા પાડીને આઠ લોકોને સકંજામાં લઈ લીધા હતા. સકંજામાં આવેલા શખ્સો પૈકી અમુક લોકોએ નિવૃત્ત શિક્ષક પાસેથી પડાવેલી રકમને ક્રિપ્ટો કરન્સીમાં ક્નવર્ટ કરીને કમ્બોડીયા મોકલી દેવામાં સામેલ છે તો જૂનાગઢનો એક વિદ્યાર્થી કે જે એમબીએનો અભ્યાસ કરી રહ્યો છે તેણે ૧૫,૦૦૦માં પોતાનું બેન્ક એકાઉન્ટ ભાડે આપ્યું હોવાનું ખુલતાં તેની સામે પણ ગુન્હો નોંધવા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. જો કે હજુ ધરપકડનો આંક વધશે અને અન્ય શહેરોના આરોપીઓ પણ હાથવેંતમાં હોવાનું પોલીસ સૂત્રો પાસેથી જાણવા મળી રહ્યું છે.