૬૨૫ લીટર દેશી, ૧૪૪ બોટલ વિદેશી દારૂ પકડાયો
તહેવારો પૂરા થતાં જ બૂટલેગરો મેદાને
દિવાળીના તહેવાર પૂર્ણ થતાંની સાથે જ બૂટલેગરો મેદાને ઉતરી પડ્યા હોય તેવી રીતે દેશી-વિદેશી દારૂની ખેપ મારવા લાગ્યા છે. જો કે પોલીસ દ્વારા તેમના ઈરાદા ઉપર પાણીઢોળ કરવામાં આવી રહ્યો છે. આવા જ દેશી-વિદેશી દારૂના જથ્થા સાથે ચાર બૂટલેગરને પીસીબીએ પકડી પાડ્યા હતા.
પીસીબીના ઈન્ચાર્જ પીઆઈ એમ.આર.ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ ટીમે અંકુરનગર મેઈન રોડ પર ન્યુ ગોપાલ પાર્ક શેરી નં.૧માં દરોડો પાડી સની ધર્મેશભાઈ પરમારને વિદેશી દારૂના ૧૪૪ ચપલા સાથે પકડી પાડ્યો હતો જ્યારે હિરેન ઉર્ફે હેરી અરવિંદભાઈ પરમાર અને મયુર ખેંગારભાઈ ખીંટ ફરાર થઈ જતાં તેની શોધખોળ આદરી છે.
આ ઉપરાંત ઓમનગર સર્કલ, સિટી બસ સ્ટેન્ડ સામે સંદીપ અનકભાઈ કરપડા (રહે.સાયલા)ને ૫૨૫ લીટર દેશી દારૂ ભરેલી કાર સાથે દબોચી લેવાયો હતો તો જામનગર રોડથી પરાપીપળીયા ગામ તરફ જતા રોડ ઉપરથી દેવજી મોહન જખાણીયાને ૧૦૦ લીટર દેશી સાથે પકડી લેવામાં આવ્યો હતો.