ડેપ્યુટી ઇજનેર સહિત 22 સાથે ચારધામ યાત્રાના નામે રૂ.6.66 લાખની છેતરપિંડી
એડવાન્સમાં મેળવી લઇ યાત્રીઓને હરિદ્વાર પહોંચ્યા બાદ ટૂર પેકેજની વાત કરી ગાઠિયાએ ફોન બંધ કરી દીધો
રાજકોટમાં દોશી હોસ્પિટલ પાછળ ગુરૂપ્રસાદ સોસાયટીમાં રહેતાં સિંચાઇ ખાતાના નિવૃત ડેપ્યુટી ઇજનેર પ્રદિપભાઇ ઉપેન્દ્રભાઇ રાવલ સહિત 22 લોકો સાથે ચારધામ યાત્રા પ્રવાસના નામે રૂ.6.66 લાખની છેતરપિંડી થતાં આ મામલે સાઇબર ક્રાઇમમાં પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
પ્રદિપભાઇ રાવલ અને તેમના ગ્રુપના ૨૨ લોકોને ચારધામ યાત્રાએ જવું હોઇ ઓનલાઇન સર્ચ કરી અતિથી ટ્રીપ હોલીડેના પ્રદિપ શર્માનો સંપર્ક કરતાં તેણે પેકેજ બૂકીંગના એક વ્યક્તિ દીઠ રૂા. ૩૦ હજારની ફી જણાવી હતી. કુલ ૨૬ લોકોને યાત્રામાં જવું હોઇ ફુલ પેકેજના રૂા. ૭,૮૦,૦૦૦ જણાવતાં અને એડવાન્સ પેમેન્ટ જમા કરવાનું કહેવાતાં પ્રદીપભાઈએ ચારધામ યાત્રાએ જવા માંગતા સભ્યો સાથે વાતચીત કરી કટકે કટકે અલગ અલગ બેંકના એકાઉન્ટમાં રૂા. ૬,૬૬,૯૯૯ની રકમ ટ્રાન્સફર કરી દીધી હતી. એડવાન્સમાં મેળવી લઇ યાત્રીઓને હરિદ્વાર પહોંચ્યા બાદ ટૂર પેકેજ મળી જશે તેમ કહેતાં આ યાત્રીઓ હરિદ્વાર જતાં ત્યાં કોઇ ટૂર પેકેજ બૂકીંગ ન મળતાં છેતરાયાની ખબર પડતાં પોતાના ખર્ચે ચારધામ યાત્રા પુરી કરી રાજકોટ આવ્યા બાદ પોલીસ ફરિયાદ કરતા સાઇબર ક્રાઇમ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.