તસ્કરોએ ઉજવી જન્માષ્ટમી : ગોવા અને જગન્નાથ પુરી ગયેલા પરિવારના ઘરમાંથી 6.37 લાખની ચોરી
ઘંટેશ્વર પાસે રહેતા વેપારી પરિવાર સાથે જગન્નાથ પુરી દર્શને ગયા ત્યારે તસ્કરોએ 4.45 લાખ પર હાથફેરો કર્યો : હરિ ધવા રોડ પર નવનીત હોલ પાસે રહેતા કારખાનેદારનો પરિવાર ગોવા ફરવા ગયો’ને તસ્કરો 1.91 લાખના ઘરેણાં ચોર્યા
જન્માષ્ટમીનો તહેવાર તસ્કરોએ શહેરમાં બે મકાનને નિશાન બનાવીને ઉજવ્યો હતો. ઘંટેશ્વર પાસે સિલ્વર વેલીમાં રહેતા વેપારી અને હરી ધવા રોડ પર નવનીત હોલ પાસે રહેતા કારખાનેદારના બંધ મકાનમાં ત્રાટકી રોકડ તથા દાગીના મળી બંને મકાનમાંથી રૂા. ૬,૩૭,૩૨૮ ની માલમતા ચોરી જતા પોલીસે તસ્કરોની શોધખોળ કરી છે.
મળતી વિગત મુજબ મૂળ મધ્યપ્રદેશ ગ્વાલીયરના અને હાલ 150 ફુટ રોડ પર ઘંટેશ્વર પાસે સીલ્વરવેલી બંગ્લોઝ નંબર-૧૩ માં રહેતા ક્ષિતીજભાઇ રામપ્રકાશભાઇ ઝા (ઉ.વ. ૩૬) એ યુનિવર્સિટી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. જેમાં જણાવ્યું હતું કે,પોતે પત્ની અને બે પુત્ર સાથે છેલ્લા બે વર્ષથી અહી રહે છે અને વેપાર કરે છે. ગત તા. ૨૪ ના રોજ પરિવાર સાથે જગન્નાનાથ પુરી જવા માટે નીકળ્યા હતા બાદ તા. ૨૮ ના રોજ પાડોશી રાજેશભાઈ ચૌહાણનો ફોન આવતા તેણે કહેલ કે તમારા ઘરનો દરવાજો ખુલ્લો છે, અને તમારા ઘરે ચોરી થઇ હોવાનુ જણાવ્યું હતું તેમ વાત કરતા પોતે પરિવાર સાથે તા. ૨૮ ના રોજ રાત્રે ઘરે આવતા ઘરનો મેઇન દરવાજો ખુલ્લો જોતા પોતે અંદર જઈ તપાસ કરતા મકાનના ઉપરના માળે તીજોરીનો લોક તુટેલો જોવા મળ્યો હતો.અને તેમાં રાખેલા રૂા. ૧,૫૦,૦૦૦ રોકડા તથા દાગીના મળી રૂા. ૪,૪૫,૫૦૦ ની માલમતાની ચોરી થઈ હોવાનું જણાવતા યુનિવર્સિટી પોલીસ કાર્યવાહી કરી છે.
બીજા બનાવમાં હરીધવા રોડ પર નવનીત હોલ પાસે રહેતા વિશાલભાઇ અશોકભાઈ પટેલ(ઉ.વ. ૩૬)એ ભકિતનગર પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે,પોતે પરિવાર સાથે રહે છે. અને પરસાણા નગરમાં ભાગીદારીમાં ગીફટ આર્ટીકલને લગતી વસ્તુ બનાવવાનું કારખાનુ ધરાવે છે. ગત તા. ૨૩ ના રોજ પોતે પરિવાર સાથે મકાનને તાળું મારી ગોવા ફરવા માટે ગયા હતા. અને મકાનની ચાવી પાડોશીને આપી હતી. ગત તા. ૨૬ ના રોજ પાડોશી મકાનમાં પાણી વગેરે ચેક કરવા ગયા હતા ત્યારે બધુ બરાબર હતું બાદ વિશાલભાઇ ગઇકાલે પરત આવ્યા ત્યારે મકાનના દરવાજાનો નકુચો તુટેલો જોતા પોતે અંદર જતા સામાન વેરવીખેર અને રૂમમાં કબાટનો લોક તુટેલો જોતા તપાસ કરતા કબાટમાં રાખેલા ૨૫ હજાર રોકડા અને દાગીના જોવા ન મળતા કોઇ અજાણ્યા શખ્સો રોકડ તથા દાગીના મળી રૂા. ૧,૯૧,૮૨૮ ની માલમતા ચોરી ગયા હોવાની ખબર પડતા ભક્તિનગર પોલીસમાં ફરિયાદ કરતાં પોલીસે સીસીટીવી આધારે તપાસ હાથધરી છે.