ગોધરા પાસે ટેન્કર અને ઇકો કાર અથડાતાં 5ના મોત
ગોલ્લવ ગામ નજીક ITI પાસેનો બનાવ : ગંભીર રીતે ઘવાયેલા બે લોકોને હોસ્પિટલમાં ખસેડાયા : છોટાઉદેપુરનો પરિવાર
ગોધરા તાલુકાના ગોલ્લવ ગામ પાસે આવેલી ITIની નજીકમાં ઇકો કાર અને ટેન્કર વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં પાંચ લોકોનાં કમકમાટી ભર્યા મોત નિપજ્યાં છે.જ્યારે અન્ય બે લોકોને ગંભીર ઇજા પહોંચતા તેઓને હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. અને તેમની હાલત નાજુક હોવાનું તબીબોએ જણાવ્યું હતું.
જાણવા મળતી વિગત મુજબ, ગોધરા તાલુકાના ગોલ્લવ પાસે ઇકો ગાડીમાં છોટાઉદેપુરના પરિવારના સાત સભ્યો સવાર થઈ જઈ રહ્યા હતા. ત્યારે સામેથી પુરપાટ ઝડપે આવતા ટેન્કરે ઇકો કારને ઠોકર મારી હતી. અને ઇકો કારનું પડીકું વળી ગયું હતું. આ અકસ્માતમાં ઘટના સ્થળે જ ચાર લોકોના મોત નિપજ્યાં હતા. અને ત્રણને ગંભીર ઇજા પહોંચતા સારવાર માટે તાત્કાલિક 108 મારફત દેવગઢ બારિયા ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર લેતાં પહેલાં જ એકનું 108માં જ મોત નીપજ્યું હતું,અને મોતનો આંકડો પાંચ પર પહોંચ્યો હતો. જ્યારે અન્ય બે લોકોને વધુ સારવાર માટે ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા,
પ્રાથમિક દૃષ્ટિએ ઈકો ગાડીમાં સવાર સાત લોકો છોટાઉદેપુરના હોવાનું જાણવા મળ્યું હતું, અકસ્માતની જાણ થતાં જ મૃતકનો પરિવાર ગોધરા સિવિલ હોસ્પિટલ ખાતે આવ્યો હતો. અને ઘટનાથી પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
