ખખડેલા મકાનમાં છુપાવેલી દારૂની ૩૫૦ પેટી પકડાઈ
થર્ટી ફર્સ્ટમાં તોતિંગ ભાવે વેચવા માટે ગોંડલના પાટીદડ ગામના બૂટલેગરે ઉતાર્યો’તો જથ્થો
રાજકોટ શહેર કરતાં જિલ્લામાં અત્યારે દારૂની હેરાફેરીમાં વધારો થઈ ગયો હોય તેવી રીતે દરરોજ મોટી સંખ્યામાં જથ્થો પકડાઈ રહ્યો છે. દરમિયાન રાજકોટ (ગ્રામ્ય) એલસીબી ટીમે ગોંડલના પાટીદડ ગામે ખખડી ગયેલા મકાનમાં છુપાવી દેવામાં આવેલી દારૂની ૩૫૦ પેટી પકડી પાડી બૂટલેગરની શોધખોળ હાથ ધરી છે.

રૂરલ એલસીબી પીઆઈ વી.વી.ઓડેદરાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એચ.સી.ગોહિલ સહિતની ટીમે ગોંડલ તાલુકાના પાટીદડ ગામમાં હાઈબોન્ડ જવાના રસ્તે ૧૦૦ વારિયા પ્લોટ વિસ્તારમાં આવેલા એક પડતર મકાનમાં દરોડો પાડી ચેકિંગ કરતાં અંદરથી દારૂની નાની-મોટી ૬૭૯૨ બોટલ મળી આવી હતી જેની કિંમત ૨૬.૦૩ લાખ રૂપિયા થવા જાય છે. દારૂનો આ જત્થો અજય ઉર્ફે પંકજ જેન્તીભાઈ મકવાણાએ વેચવા માટે સંતાડ્યો હતો. થર્ટી ફર્સ્ટ આવી રહી હોવાથી તેમાં વિદેશી દારૂની તીવ્ર માંગ રહેતી હોવાથી ઉંચા ભાવે વેચી કમાણી કરી લેવાના ઈરાદે આ દારૂ ઉતારવામાં આવ્યો હતો પરંતુ તેનું વેચાણ થાય તે પહેલાં જ પોલીસે પકડી પાડી બદઈરાદા પર પાણી ફેરવી નાખ્યું હતું.