૧૫ વર્ષથી પોલીસને ચકમો આપનારા સહિત ૩૨ ભાગેડુંને દબોચી લેવાયા
જામીન મેળવ્યા બાદ કોર્ટમાં હાજર થવાનું ટાળનારા સામે પોલીસની લાલ આંખ
અલગ-અલગ ગુનાને અંજામ આપ્યા બાદ કાયદાની છટકબારીનો લાભ લઈ જામીન પર છૂટી જનારા અનેક રીઢા આરોપીઓ તારીખ પર કોર્ટમાં હાજર રહેવાનું ટાળતાં હોય રાજકોટ સહિત સમગ્ર ગુજરાતમાં આવા તત્ત્વોને પકડી લેવા માટે ખાસ ઝુંબેશ ચાલી રહી છે. દરમિયાન અમદાવાદ ઝોન-૬ હેઠળ આવતાં સાત પોલીસ મથક દ્વારા આવા ૩૨ ભાગેડુંઓને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધા છે.
ઝોન-૬ ડીસીપી રવિ મોહન સૈનીના આદેશ બાદ જે-ડિવિઝન એસીપી પ્રદીપસિંહ જાડેજા, કે-ડિવિઝન એસીપી યુવરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ મણીનગર, ઈસનપુર, વટવા, જીઆઈડીસી વટવા, નારોલ, દાણી લીમડા, કાગડાપીઠ પોલીસ મથક દ્વારા અલગ-અલગ ટીમ બનાવી ૩૨ આરોપીને પકડી લેવાયા હતા.
પકડાયેલા આરોપીઓ પૈકી અનેક આરોપીઓ એવા પણ હતા જેઓ પંદર વર્ષથી પોલીસને ચકમો આપી રહ્યા હતા. વળી, આ લોકોએ આચરેલા ગુના પણ ગંભીર હોય તેમને પકડવા અત્યંત જરૂરી બની ગયા હતા. અનેક આરોપીઓની શકલ-સુરત બદલાઈ ગઈ હોવાથી તેમને ઓળખી શકવા પણ મુશ્કેલ હોવા છતા આ બધી અડચણને પાર કરી પોલીસે તમામને પકડી પાડ્યા હતા.
