રાજકોટમાં દેશી-વિદેશી દારૂની જેમ જ હવે ગાંજાનું વેચાણ પણ વકરી રહ્યું હોય ખાસ કરીને યુવાધન આ નશાના રવાડે ચડી બરબાદ થઈ રહ્યું છે. પોલીસ અધિકારીઓ દ્વારા પણ ગાંજા-ચરસ, ડ્રગ્સ સહિતના વેચાણ ઉપર તૂટી પડવા આદેશ અપાયો હોય પોલીસ ગાંજા સહિતની હેરફેર ઉપર બાજનજર રાખીને બેઠી હોય છે ત્યારે આવો જ એક પોણો કિલો ગાંજાનો જથ્થો લઈને ત્રણ શખસોને બેડી ચોકડી નજીકથી પકડી પાડ્યા હતા.
ગાંધીગ્રામ પોલીસ મથકના ઈન્ચાર્જ પીઆઈ એચ.એન.પટેલ, ઝોન-2 LCB PSI આર.એચ.ઝાલા તેમજ ટીમે બાતમીના આધારે માધાપર ચોકડીથી બેડી ચોકડી તરફ જતાં હાઈ-વે રોડ ઉપર મનહરપુરના મંદિરની સામે બાણધારી હોટેલ પાસેથી ઓટો રિક્ષા નં.GJ3AX-8696ને અટકાવી તલાશી લેતાં તેમાંથી પોણો કિલો ગાંજો મળી આવતા રિક્ષાચાલક અમનીશા યાસીનશા શાહમદાર (રહે.રેલનગર, મુળ વિસાવદર), અરમાન રાજુભાઈ ખોખર (રહે.ભગવતીપરા, મુળ બગસરા) અને મોહસીન અલારખાભાઈ શાહમદાર (રહે.ભગવતીપરા)ની ધરપકડ કરી હતી.
આ પણ વાંચો :રાજકોટમાં સોના-ચાંદીના વેપારીઓ પર તોલમાપ ખાતાની તવાઇ: 12 જવેલર્સ સામે કેસ નોંધાયા,34 હજારની ફી વસૂલાઇ
પૂછપરછમાં આ ત્રણેય એવું રટણ કરી રહ્યા હતા કે ગાંજાનો આ જથ્થો ચોટીલાના કોઈ ફકીર પાસેથી લાવ્યા છે પરંતુ આ વાત પોલીસને ગળે ઉતરી રહી નથી. અમીનશા ફ્રૂટનો ધંધાર્થી હોય તે વારંવાર ચોટીલા તેમજ તેનાથી આગળ ફ્રૂટ ખરીદવા માટે જતો હતો ત્યારે આ વખતે ફ્રૂટની સાથે ગાંજાનો ફેરો પણ મારી લાવ્યો હતો. અમીનશાનો સપ્લાયર સાથે કોન્ટેક્ટ અરમાન ખોખરે કરાવ્યો હોવાનું તેમજ ખરીદી લવાયેલો ગાંજો વેચી આપવાની ખાતરી મોહસીન શાહમદારે આપી હોવાનું સામે આવ્યું હતું.
