રાજકોટ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી આવારાતત્વોના ત્રાસ સામે પ્રજા ત્રાહીમામ પોકારી ગઈ છે. તેવામાં લોકો મુખે એવી પણ ચર્ચાએ જોર પકડયું છે કે શું હવે રાજકોટમાં પોલીસની ધાક નથી રહી આવી ચર્ચાને સાચી સાબિત કરતી વધુ એક ઘટના જંગલેશ્વરમાં રાધાકૃષ્ણ સોસાયટીમાં બની હતી. અહીં કેટલાક શખસો જાહેરમાં અસભ્ય વર્તન કરતા હોય જેથી સોસાયટીના રહીશોએ અહીં બેસવાનીના પાડી હતી. આ વાતનો ખાર રાખીને તલવાર, છરી અને ધોકા જેવા હથિયાર લઈને ધસી આવેલા 4 શખસોએ ત્રણ પાડોશી પર છરી વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં એક યુવકને પેટના ભાગે ગંભીર ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
બનાવ અંગે જંગલેશ્વર મેઈન રોડ પર રાધાકૃષ્ણ સોસાયટી શેરી નં 19/20 પાસે વિક્રમ ચોકમાં રહેતા ચેતન ધીરુભાઈ ચાવડા (ઉ.વ. 27) નામના યુવકે ભક્તિનગર પોલીસ મથકમાં આરોપી તરીકે વિશ્વજીત પ્રતાપભાઈ જળું, અરમાન મેહબૂબભાઈ અજમેરી અને બે અજાણ્યા સામે ફરિયાદ નોંધાવતા જણાવ્યું હતું કે, મંગળવારે રાત્રિના 11 વાગ્યે આસપાસ પોતે ટુ વ્હીલર લઈને ઘરે આવી રહ્યો હતો ત્યારે ઘર પાસે ચોકમાં આરોપીઓ તલવાર, છરી, સહિતના હથિયાર સાથે ઊભા હતા.
આ પણ વાંચો :તહેવારો ટાણે ‘સોનુ’ દરરોજ રૂ.1000 વધ્યું: 10 મહિનામાં 10 ગ્રામએ 55,000નું રિટર્ન, ધનતેરસે લગ્નગાળાની ખરીદી નીકળે તેવી આશા
આરોપીઓ જાહેરમાં બોલતા હતા કે, ‘અહીં શેરીમાં હવે આપણને બેસવાની કોણ ના પાડે છે જોઈએ અને ના પાડે તો છરીના ઘા મારી દેવા છે’ જેથી ચેતને જાહેરમાં મનફાવે તેમ ન બોલવાનું કહેતા જ આરોપી વિશ્વજીતે પોતાની પાસે રહેલી છરી ચેતનના પેટમાં ઝીંકી દીધી હતી. બીજા આરોપીઓએ ચેતનને ઢીકાપાટુનો માર માર્યો હતો દેકારો થતાં જ પાડોશમાં રહેતા 40 વર્ષીય પ્રભાતભાઈ કાળુભાઈ લાવડીયા અને અરવિદભાઈ રેમશભાઈ ચૌહાણ સહિતના કેટલાક પડોશીઓ દોડી આવી ચેતનને વધુ મારથી બચાવવા જતા વિશ્વજીતે પ્રભાતભાઈને છાતીના ભાગે તેમજ અરવિદભાઈને હાથમાં છરી ઝીંકી દીધી હતી. ત્યારબાદ આરોપીઓ ત્યાંથી નાશી છૂટ્યા હતા. આ મારામારીમાં ઈજાગ્રસ્ત પામેલા ત્રણેયે યુવકોને 108 મારફતે સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. અહીં તબીબોએ પ્રભાતભાઈના પેટમાં છરીના ઘાથી છાતી અને પેટને જોડતો ઉરોદરપટલ ફાટી ગયું હોવાની કહી તત્કાલિક ઓપરેશન કર્યું હતું જે બાદ તેમની હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું છે.
સામા પક્ષે વિશ્વજીત જળુ પણ પોતાને માર માર્યો હોવાના આક્ષેપો સાથે સિવિલ હોસ્પિટલમાં દાખલ થયો હતો ત્યારે પોલીસે 4 શખસો સામે હત્યા પ્રયાસ સહિતની કલમ હેઠળ ગુનો નોધી વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો :PM મોદીને 1.11 કરોડથી વધુ આભાર માનતા પોસ્ટકાર્ડ લખી સહકાર વિભાગે સર્જ્યો રેકોર્ડ : અભિયાનને ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં મળ્યું સ્થાન
દિવાળી પર્વમાં લુખ્ખા, આવારા તત્વો પર કાબુ મેળવવો પોલીસ માટે એક પડકાર
શહેરના જુદા-જુદા વિસ્તારની શેરીઓમાં ભાઈગીરી કરતાં શખસોનો રાફડો ફાટી નીકળ્યો છે. આવા તત્વો કયાંક ને ક્યાંક નિર્દોષ નાગરિકો સામે પોતાનો રોફ જમાવતા હોય છે. દિવાળીના પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે તેવામાં આવી ક્રિમીનલ માનસિકતા ધરાવતા લોકો દિવાળીની રાત્રે જાહેરમાં રોડ ઉપર જેમફાવે તેમ ગાળો બોલવા તેમજ આડેધડ ફટાકડાં ફોડીને સામાન્ય નાગરિકોને પરેશાન કરતા હોય છે. અને જો કોઈ કંઈ બોલે તો પોતાની પાસે રહેલા જીવલેણ હથિયારો વડે હુમલો કરતાં પણ અચકાતાં નથી. તેવામાં લોકો શાંતિમય વાતાવરણમાં દિવાળીની ઉજવણી કરી શકે તેના માટે આવારાતત્વો પર પોલીસને કાબુ મેળવવો જરૂરી બન્યો છે.
