સગીરાનો દેહ પીંખનાર ૩ હેવાન પકડાયા
આખા ગુજરાતને હચમચાવી નાખનારા વડોદરાના ભાયલી વિસ્તારમાં ગેંગરેપ-લૂંટના ગંભીર બનાવને ૪૮ કલાકમાં ઉકેલી નાખતી ક્રાઈમ બ્રાન્ચ
સસરાએ ભેટમાં આપેલા બૂલેટનો કર્યો ઉપયોગ: એસીપી, પીઆઈ સહિતના ૬૫ લોકોના સ્ટાફે ૪૫ કિ.મી. એરિયાના ૧૧૦૦ ફૂટેજ તેમજ એક લાખ ફોનકોલ ફેંદી નાખ્યા
દુષ્કર્મીઓ મુળ ઉત્તરપ્રદેશના, ઘણા વર્ષોથી વડોદરામાં પીઓપી સહિતનું કામ કરે છે
વડોદરા (ગ્રામ્ય)ના ભાયલી વિસ્તારમાં ગત તા.૪ના રાત્રીના સમયે સગીરાનો દેહ પીંખી મોબાઈલ લૂંટીને ફરાર થઈ જવાની ઘટનામાં પોલીસે બે દિવસની અંદર જ આ જઘન્ય ઘટનાને અંજામ આપનારા ત્રણ હેવાનોને પકડી પાડ્યા છે. આ ઘટનાએ આખા ગુજરાતને હચમચાવી નાખ્યું હતું સાથે સાથે પોલીસની `શાખ’ ઉપર પણ સવાલો ઉપસ્થિત થવા લાગ્યા હતા. વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ૪૮ કલાક સુધી ઉંઘ-આરામને કોરાણે મુકી આખરે ત્રણેય હેવાનોને પકડી પાડી બરાબરના પોખ્યા છે. આ ઘટનાને મુળ ઉત્તરપ્રદેશના અને છેલ્લા ઘણા વર્ષોથી વડોદરામાં રહેતા વિધર્મી શખ્સોએ અંજામ આપ્યો હતો.
આ ઘટના વડોદરાના ભાયલી ટીપી વિસ્તારમાં બની હતી જ્યાં એક સગીરા અને તેનો મીત્ર ઉભા હતા. રાત્રે ૧૧:૩૦થી ૧૧:૪૫ દરમિયાન સગીરાના મીત્રને પકડી રાખી આરોપીઓએ એક બાદ એક સગીરા ઉપર દુષ્કર્મ આચર્યું હતું અને તેનો મોબાઈલ લૂંટીને ફરાર થઈ ગયા હતા.
આ ઘટના બનતાં જ વડોદરા પોલીસ કમિશનર નરસિમ્હા કોમાર, ઈન્ચાર્જ સંયુક્ત પોલીસ કમિશનર લીના પાટીલ, ઈન્ચાર્જ ડીસીપી (ક્રાઈમ) એચ.એ.રાઠોડ, ક્રાઈમ બ્રાન્ચ પીઆઈ આર.જી.જાડેજા, એચ.ડી.તુંવર સહિતે અલગ-અલગ ટીમ બનાવી આરોપીઓને દબોચવા માટે ઓપરેશન શરૂ કર્યું હતું. ૪૮ કલાક સુધી મથ્યા બાદ આખરે પોલીસને સફળતા મળી હતી અને આ ગુન્હાને મુન્ના બનજારા (રહે.તાંદલજા-વડોદરા) અને તેની ટોળકીએ આચર્યો હોવાનું ખુલતાં સૌથી પહેલાં પોલીસે મુન્ના બનજારાને પકડ્યો હતો. આ પછી તેની સાથે ગુન્હામાં સામેલ મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારા (ઉ.વ.૩૬, રહે.વડોદરા, મુળ ઉત્તરપ્રદેશ) અને શાહરૂખ કિસ્મતઅલી બનજારા (ઉ.વ.૨૬, રહે.અક્સા હાઈટસ-વડોદરા, મુળ ઉત્તરપ્રદેશ)ને પકડ્યા હતા.
મુન્ના બનજારા ૧૦ વર્ષ પહેલાં વડોદરા આવ્યો હતો અને અહીં પ્લાસ્ટર ઓફ પેરિસનું કામ કરતો હતો. ગુન્હામાં વપરાયેલું બૂલેટ મોટર સાયકલ તેના સસરાએ ભેટમાં આપ્યું હોવાની કબૂલાત તેણે આપી હતી. આ જ રીતે મુમતાઝ ઉર્ફે આફતાબ બનજારા ધો.૭ સુધી ભણ્યો છે અને ૧૪ વર્ષ પહેલાં વડોદરા આવ્યો હતો. તે મુન્ના બનજારાના ભાઈનો સાળો થતો હતો. ગુન્હા વખતે તેણે પોતાનું સ્કૂટર સનફાર્મા રોડ ઉપર મુકી દીધું હતું અને અન્ય આરોપીઓ સાથે ગુન્હાવાળી જગ્યાએ પહોંચ્યો હતો.
જ્યારે શાહરૂખ કિસ્મતઅલી બનજારા ૧૪ વર્ષ પહેલાં વડોદરા આવ્યો હતો અને તે પણ પ્લાસ્ટર ઓફ પેરિસ તેમજ કલરકામ કરતો હોવાનું ખુલ્યું છે.
આ ગુન્હાનો ભેદ ઉકેલવા માટે એસીપી (ક્રાઈમ)ના માર્ગદર્શન હેઠળ બે પીઆઈ, ૮ પીએસઆઈ ૫૫ પોલીસ જવાનો મળી ૬૫ જેટલા અધિકારી-કર્મચારીઓએ બે પાળીમાં કામ કર્યું હતું. અલગ-અલગ ટીમે ૪૫ કિલોમીટર વિસ્તારમાં આવેલા ૧૧૦૦ સીસીટીવી ફૂટેજની ચકાસણી કરી હતી સાથે સાથે એક લાખથી વધુ કોલની ચકાસણી કરી હતી.
ત્રણેય રાક્ષસો પરિણીત: એકની તો પત્ની સગર્ભા
પકડાયેલો મુન્ના અબ્બાસ બનજારા પરિણીત હોવાનું અને હાલ તેની પત્ની સગર્ભા હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંત મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બનજારાને ત્રણ બાળકો અને શાહરૂખ બનજારાને બે બાળકો હોવાનું ધ્યાન પર આવ્યું છે. મુમતાઝ ઉર્ફે આફતાબ સામે પત્નીને દહેજ માટે શારીરિક-માનસિક ત્રાસ આપવાનો ગુનો પણ નોંધાયેલો છે.