૨૪ કલાક, ૩ દરોડા: ટંકારા-આટકોટ-રાજકોટમાંથી ૭૪.૮૧ લાખનો દારૂ પકડાયો
સ્ટેટ મોનિટરિંગ સેલે રાજકોટ શહેર-જિલ્લો ઉપરાંત ટંકારાને ધમરોળી નાખ્યું
ગ્રીનલેન્ડ ચોકડી પાસે શિવધારા રેસિડેન્સી નજીક આયશરમાંથી ૧.૫૫ લાખના દારૂ ભરેલા ૧૦૪ ભંભા' પકડાયા
પંજાબથી ભરાઈને રાજકોટ આવી રહેલો ૬૧.૪૬ લાખનો ૯૩૮૪ બોટલ ભરેલું ટેન્કર આટકોટ-પાંચવડા રોડ પરથી ઝડપાયું
વિવાદિત’ ટંકારા પોલીસ મથકની હદમાંથી વધુ એક વખત સ્ટેટ મોનિટરિંગ સેલ પડતાં સ્થાનિક પોલીસની ઉંઘ હરામ
રાજકોટ-મોરબી જિલ્લાને ૨૪ કલાકની અંદર ધમરોળી નાખી સ્ટેટ મોનિટરિંગ સેલે સ્થાનિક પોલીસની કામગીરી'ને ઉઘાડી પાડી દીધી હતી. એક જ રાતમાં રાજકોટ શહેર-જિલ્લા તેમજ મોરબી જિલ્લાના ટંકારામાં ધડાધડ દરોડા પાડીને ૭૪.૮૧ લાખની કિંમતનો ૧૧૬૩૫ બોટલ-ભંભા પકડી પાડતાં બૂટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો હતો. સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસ.આર.શર્મા અને ટીમે ટંકારાના ભરડીયા રોડ પર લજાઈ જીઆઈડીસીમાં દારૂ ભરેલા ગોડાઉન પર દરોડો પાડીને ૧૧,૮૧,૪૧૪ની કિંમતની ૨૧૪૭ બોટલ પકડી પાડી હતી. દારૂનો આ જથ્થો બીકાનેરના અડાસર (રાજસ્થાન) ગામના કમલેશકુમાર હનુમાનરામ નામની વ્યક્તિએ ગોડાઉન ભાડે રાખીને ઉતાર્યો હોવાનું ખુલ્યું હતું. પોલીસે કમલેશ તેમજ દારૂનો જથ્થો મોકલનાર વ્યક્તિ સામે ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી છે. અહીંથી પોલીસે ૧૧,૮૧,૪૧૪નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ જ રીતે રાજકોટ (રૂરલ)ના આટકોટથી પાંચવડા રોડ પરથી પસાર થઈ રહેલા ટેન્કર નં.જીજે૧૯જીઈ-૪૮૭૯ને અટકાવી તલાશી લેવાતાં તેમાંથી પેટ્રોલિયમ પદાર્થ નહીં બલ્કે દારૂની ૯૩૮૪ બોટલ મળી આવી હતી. જો કે પોલીસે જેવું ટેન્કર ઉભું રખાવ્યું કે તેનો ચાલક અને ક્લિનર ફરાર થઈ ગયા હતા. અહીંથી પીએસઆઈ આર.કે.કરમટા અને તેમની ટીમે ૬૧,૪૬,૭૬૦નો દારૂ, ૨૦ લાખનું ટેન્કર મળી ૮૧,૪૬,૭૬૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો અને પાંચ લોકો સામે ગુનો નોંધ્યો હતો. જ્યારે પીએસઆઈ એસ.વી.ગરચર અને ટીમે ગ્રીલેન્ડ ચોકડી-મોરબી હાઈ-વે રોડ પર શિવધારા રેસિડેન્સી પાસે બસ સ્ટોપના પાર્કિંગમાં પડેલા આઈશરની તલાશી લેતામાં તેમાંથી ૧૦૪ બોટલ
ભંભા’ મતલબ કે બે લીટર દારૂ ભરેલી બોટલ મળી આવતાં મનિષ પરબતભાઈ હેરમા (રહે.એલ.પી.પાર્ક, શેરી નં.૨, કૂવાડવા રોડ) કે જે આઈશરનો માલિક અને ચાલક છે તે અને તેના માણસ કલ્પેશ ગુણુભાઈ (રહે.બેડીપરા, ગંગેશ્વર રોડ-રાજકોટ)ને દારૂ, આયશર સહિત ૭.૨૦ લાખના મુદ્દામાલ સાથે પકડ્યા હતા.
ડ્રાયવર-ક્લિનરની ગળે ન ઉતરે એવી કબૂલાત
સ્ટેટ મોનિટરિંગ સેલે બી-ડિવિઝન પોલીસ મથકની હદમાં આવતાં ગ્રીનલેન્ડ ચોકડી વિસ્તારમાં દરોડો પાડીને દારૂની ૧૦૪ બોટલ સાથે મનિષ અને કલ્પેશની ધરપકડ કરી હતી ત્યારે આ બન્નેએ દારૂ અંગે ગળે ન ઉતરે તેવી કબૂલાત આપતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. આ બન્નેએ પોલીસને એમ જણાવ્યું હતું કે તેઓ આયશર લઈને નાસિક ગયા હતા અને ત્યાં ગાડી ખાલી કર્યા બાદ બન્નેને દારૂ પીવાની ટેવ હોય દારૂની ૧૦૪ મોટી બોટલ ખરીદીને રાજકોટ લાવ્યા હતા ! સૌ કોઈ જાણે છે કે કોઈ પણ બે વ્યક્તિ માત્ર પીવા માટે દારૂની ૧૦૪ અને એ પણ બે લીટરની બોટલ લાવે ખરા ?
બે પઝેશન રેડ, સ્થાનિક પોલીસને રેલો આવશે ?
સામાન્ય રીતે સ્ટેટ મોનિટરિંગ સેલ પઝેશન રેડ મતલબ કે જે-તે જગ્યા ઉપર દારૂનો જથ્થો પડ્યો હોય અને તેને પકડી લ્યે એટલે સ્થાનિક પોલીસ ઉપર તવાઈ ઉતરતી હોય છે. અમદાવાદ, વડોદરા, સુરત સહિતના શહેરોમાં આવું એક નહીં બલ્કે અનેક વખત બન્યું છે ત્યારે રાજકોટ શહેર-જિલ્લામાં ૨૪ કલાકની અંદર બે પઝેશન રેડ પડી છે જેમાં એક રેડ આટકોટ પોલીસ મથકની હદમાં તો બીજી રેડ બી-ડિવિઝન પોલીસ મથકની હદમાં પડી હોવાથી આ બન્ને પોલીસ મથક સુધી રેલો આવશે તેવી શક્યતા પણ વ્યક્ત કરાઈ રહી છે સાથે સાથે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પણ આંતરિક તપાસ શરૂ કરાયાનું જાણવા મળી રહ્યું છે.