મોરબીના કોન્ટ્રાકટરને હનીટ્રેપમાં ફસાવી રૂ.23.50 લાખ પડાવ્યા
યુવતી અને તેની સાથેના ચાર શખ્સો સામે ગુનો નોંધાયો
ખોડલધામ પાસે મળવા બોલાવી દુષ્કર્મના ગુનામાં ફિટ કરી દેવાની ધમકી આપી 35 લાખ માંગ્યા’તા
મોરબીનાં કેનાલ રોડ પર ગંગાદર્શન એપાર્ટમન્ટમાં રહેતા અને સિરામીક કંપનીમાં લેબર કોન્ટ્રાકટર તરીકે કામ કરતાં ભરતભાઈ ભીખાભાઈ કારોલીયાને હનીટ્રેપમાં ફસાવી ખોડલધામ મંદિરે મળવા બોલાવી રૂ.23.50 પડાવી લેનાર ક્રિષ્ના નામની યુવતી સહિત પાંચ સામે સુલતાનપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી.
મોરબીનાં લેબર કોન્ટ્રાકટર ભરતભાઈ ભીખાભાઈ કારોલીયા (ઉ.50)એ પોલીસ ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે એક મહિના પહેલા ક્રિષ્ના નામની યુવતીનો મોબાઈલમાં ફોન આવ્યો હતો ત્યારે ભરતભાઈએ રોંગ નંબર હોવાનું જણાવ્યું હતું. બાદમાં અનેક વખત ફરિયાદી સાથે ફોન પર વાત કરી પ્રેમજાળમાં ફસાવ્યો હતો. અને ગત તા.4-3-2024ના ભરતભાઈને ફોન કરી ખોડલધામ મંદિરે મળવા માટે બોલાવ્યો હતો. લેબર કોન્ટ્રાકટર પોતાની કાર લઈ મોરબીથી ખોડલધામ આવ્યા બાદ ક્રિષ્ના નામની યુવતી કારમાં બેસી ગઈ હતી અને અવાવરુ સ્થળે કાર ઊભી રાખી યુવતીએ ભરતને શરીર સંબંધ બાંધવાનું કહ્યું હતું જોકે ભરતે ના પાડી તે વખતે બે બાઈકમાં ચાર શખ્સો કાર પાસે આવ્યા અને દુષ્કર્મના ગુનામાં ફીટ કરી દેવાની ધમકી આપી રૂ.35 લાખ માંગી કારમાં જુદા જુદા સ્થળે ફેરવ્યો હતો. અંતે રૂ.23.50 લાખની આપવાનું નક્કી થયા બાદ ભરતભાઈએ આંગડીયા મારફતે રૂ.23.50 લાખ મોરબીથી મંગાવ્યા હતાં જે ગોંડલ માર્કેટીંગ યાર્ડ પાસે આવેલ આંગડીયા પેઢીમાંથી રકમ આવ્યા બાદ ભરત પાસેથી રકમ મેળવી બાદમાં ટોળકી તેને ગોંડલ યાર્ડ પાસે જ છોડી નાસી ગઈ હતી. સુલતાનપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતાં પીએસઆઈ રાજદીપસિંહ જાડેજા સહિતના સ્ટાફે વધુ તપાસ શરૂ કરી છે.