દમણથી 2 કન્ટેનર ભરી રૂ.77 લાખનો દારૂ રાજકોટ પહોંચે તે પહેલાં જ પકડાયો
થર્ટી ફર્સ્ટ પર પ્યાસીઓને “મોજ” કરાવા માટે
સુરતના કામરેજ-કડોદરા હાઈ-વે પરથી સ્ટેટ મોનીટરીંગ સેલે દરોડો પાડી 77 લાખના દારૂ સહિત 1.27 કરોડના મુદ્દામાલ સાથે યુપીના ચાલકની ધરપકડ કરી : દારૂ રાજકોટમાં ગ્રીન લેન્ડ ચોકડી પાસે ડીલેવર કરવાનો હતો : પોલીસે રાજકોટના બુટલેગર સહીત સાત સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી
31 ડિસેમ્બરના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બુટલેગરો અન્ય રાજ્યમાંથી ગુજરાતમાં વિદેશી દારૂનો જથ્થો એન કેન પ્રકારે કોશિશ કરતા હોય છે.અને આ વીદેશી દારૂની હેરાફેરી ઉપર અંકુશ લાવવા માટે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરરોજ દરોડા પાડવામાં આવી રહ્યા છે ત્યારે આવો જ એક દરોડો પાડવામાં આવ્યો છે.જેમાં ર્ટી ફર્સ્ટ પર પ્યાસીઓને “મોજ” કરાવા માટે દમણથી 2 કન્ટેનર દારૂ ભરી રાજકોટ પહોંચે તે પહેલાં જ એસએમસીની ટીમે સુરતના કામરેજ-કડોદરા હાઈ-વે પરથી પકડી પાડીને 1.27 કરોડના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી છે.
માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાય, ડીવાયએસપી કે.ટી.કામરિયાના માર્ગદર્શન હેઠળ પીઆઇ સી.એચ.પનારા અને ટીમે બાતમી આધારે સુરતના કામરેજ-કડોદરા હાઈ-વે પર મહાદેવ હોટલ પાસે દરોડો પાડી દારૂ ભરેલા બે કન્ટેનર સાથે યુપીના ચાલક વિવેકકુમાર શ્યામસુંદર યાદવની ધરપકડ કરી હતી.અને ટીમે કન્ટેનર ચેક કરતાં તેમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની કુલ 32,916 બોટલો જેની કિમત રૂપિયા 77 લાખ અને કન્ટેનર તેમજ મોબાઈલ મળીને કુલ રૂ.1.27 કરોડનો મુદામાલ કબેજ કર્યો હતો.પકડી પાડેલા આરોપી વિવેક કુમારની પૂછતાછ કરતાં તેને કબૂલાત આપી હતી કે, આ દારૂ દમણથી મોકલાવવામાં આવ્યો હતો.અને તેને રાજકોટમાં ગ્રીન લેન્ડ ચોકડી નજીક ડીલેવર કરવાનો હતો.જેથી આ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કામરેજ પોલીસ સ્ટેશનમાં નાશી છૂટેલા જીજે.19. ય 2348 નંબરના કન્ટેનર ચાલક અનિલ યાદવ,દારૂ સપ્લાય કરનાર માનેક પટેલ,રાજકોટમાં દારૂ મંગાવનાર બુટલેગર અને રવીન્દ્ર રાજપૂત સહીત સાત શખસો સામે ગુનો નોંધી તેની શોધખોળ કરી છે. ઉલેખનિય છે કે, 31 ડિસેમ્બર નજીક આવી રહી હોવાથી પ્યાસીઓને દારૂની રેલમછેલમ કરાવવા રાજકોટના બુટલેગર દ્વારા મોટી માત્રામાં દારૂ મંગાવવામાં આવ્યો હતો.