નવાગામમાં 16 વર્ષીય ભાઈ-બહેનનો ઝાડમાં ફાંસો ખાઈ સજોડે આપઘાત
રાત્રિના ગુમ થયા બાદ સવારે બંનેના ઝાડમાં લટકતા મૃતદેહ મળી આવ્યા : પ્રેમસંબંધનો પરિવારજનો સ્વીકાર નહિ કરે તે ડરથી પગલું ભર્યાનું પ્રાથમિક તારણ
શહેરના કુવાડવા રોડ પર નવાગામમાં રહેતા અને મજૂરી કરતાં 16 વર્ષના કુટુંબી ભાઈ-બહેન બુધવાર રાત્રિના ઘરેથી ગૂમ થયા બાદ સવારે તેઓના ઇંટોના ભઠ્ઠા નજીક લીમડાના ઝાડ સાથે સજોડે ફાંસો ખાધેલી હાલતમાં બનેના મૃતદેહ લટકતા મળતા ચકચાર મચી જવા પામી હતી. જ્યારે ઘટનાની જાણ થતાં કુવાડવા પોલીસ દોડી આવી હતી.અને તેઓના મૃતદેહને પીએમ અર્થે ખસેડયા હતા.જ્યારે બંને કુટુંબી ભાઇ-બહેન વચ્ચે પ્રેમસંબંધ બંધાઈ ગયા બાદ પરિવારજનો સ્વીકાર નહિ કરે તેવા ડરથી આ પગલુ ભરી લીધાનું પ્રાથમિક તારણ માલૂમ પડ્યું હતું.
વિગત મુજબ નવાગામ દિવેલીયાપરામાં આવેલી બ્લેકસ્ટોન હોટલ પાછળ ઇટોના ભઠ્ઠા નજીક લીમડાના ઝાડમાં દોરડુ બાંધી યુવક અને યુવતીએ ગળેફાંસો ખાધા હોવાની જાણ ૧૦૮ અને પોલીસને થતા તેઓ દોડી આવ્યા હતા અને ફરજ પરના તબિબે બંનેને તપાસી મૃત જાહેર કર્યા હતાં.બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડયા હતા પોલીસે તપાસ કરતાં આ બંનેના નામ સતિષ બાબુભાઇ બારીયા (ઉ.વ.૧૬) અને રાજીલા રતનભાઈ બારીયા (ઉ.વ.૧૬) હોવાનું તથા બંને નવાગામમાં જ દિવેલીયાપરામાં રહી ઇંટોના ભઠ્ઠામાં કામ કરતા હોવાનું ખુલ્યું હતું. મૃતક કુટુંબી ભાઇ બહેન થતાં હતાં અને રાતે ગૂમ થઇ ગયા હોઇ પરિવારજનો તેને શોધી રહ્યા હતા.દરમિયાન સવારે બંનેના ઝાડ પર લટકતા મૃતદેહ મળ્યા હતા.આપઘાત કરનાર સતિષ બે ભાઈમાં નાનો હતો અને તેના ભાઇ સાથે રહી ઇટોની મજુરી કરતો હતો. જ્યારે સુજીલા બે ભાઈ અને બે બહેનમાં નાની હતી તે પરિવારજનો સાથે રહી ઇંટોના ભઠ્ઠામાં મજૂરી કરતી હતી. બને પરિવાર એમપીથી અહિ બે મહિના પહેલા રહેવા આવ્યા છે અને મજૂરી કરે છે.