હાઇકોર્ટમાં પ્રદુષણની PIL દાખલ કરવાની ધમકી આપી વકીલે 11 લાખ પડાવ્યા
જેતપુર ડાઇંગ એસો.ના પ્રમુખ અને હોદેદારોને બ્લેક મેઈલ કરી ગાંધીનગરના વકીલે અસીલ સાથે મળી સમાધાનના નામે પૈસા ખંખેર્યા : વધુ રૂપિયાની માંગણી કરતા પોલીસ ફરિયાદ કરી
જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસીએશન પ્રમુખ હોદ્દેદારો પાસેથી હાઈકોર્ટમાં પ્રદુષણ મામલે પીઆઈએલ દાખલ કરવાની ધમકી આપી બ્લેક મેઈલ કરી ૧૧ લાખ રૂપિયા પડાવ્યા બાદ વધુ નાણાં માંગી ધમકી કરતા ગાંધીનગરના વકીલ તથા જેતપુરના બાવા પીપળીયા ગામના અસિલ સામે જેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા બન્નેની પોલીસે શોધખોળ કરી છે.
વિગત મુજબ એસોસીએશનના સેક્રેટરી ચેતનભાઈ જગદીશભાઈ જોગીએ નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં ગાંધીનગરના વકીલ રજનીકાંત ચૌહાણ તથા જેતપુરના બાવા પીપળીયા ગામના અસિલ બનેલા ગોવિંદ કાનજી ધડુકનું નામ આપતા જણાવ્યું હતું કે, તેઓનું એસો. સાડીના કારખાનાઓના પ્રશ્નો તથા દુષિત પાણીને ફિલ્ટર પ્લાન્ટ સુધી લાવી ટ્રીટમેન્ટ કરી શુધ્ધી કરણનું કામ કરે છે.
એસો.માં પ્લાન્ટ એન્જીનીયર તરીકે પ્રવિણભાઈ ગોંડલીયા ફરજ બજાવે છે. ઈજનેર ગોંડલીયાને ગત તા.પના રોજ મોબાઈલ ફોન આવ્યો હતો. જેમાં પોતે અમદાવાદ હાઈકોર્ટના વકીલ રજનીકાંત ચૌહાણ બોલે છે તેમ કહી ઓળખાણ આપી હતી.વકીલ ચૌહાણે કહ્યું હતું કે, તમારા એસોસીએશન વિરૂધ્ધ પ્રદુષણ બાબતે હાઈકોર્ટમાં પીઆઈએલ દાખલ કરાવવા એક વ્યકિત આવેલ છે. જો સમાધાન કરવું હોય તો કરાવી આપું, ઈજનેર ગોંડલીયાએ કહ્યું કે, પ્રમુખ સાથે વાત કરાવું તા.૧૦ના રોજ એસોસીએશનના પ્રમુખ જયતીભાઈ રામોલીયા તથા ઉપપ્રમુખ સંજયભાઈ વેકરીયાને વાત કરી હતી.
પ્રમુખ જયતીભાઈએ વકીલ રજનીકાતને ફોન કરતા તેને રૂબરૂ આવો અમદાવાદ અથવા રાજકોટ સેટીંગ કરાવી આપું તેમ કહ્યું હતું. વાત થયા બાદ ગત તા.૧૨ના રોજ બધા રાજકોટ ગ્રીનલેન્ડ ચોકડી પાસે પરસોતમભાઈ વઘાસીયાના ગાયત્રી સ્ક્રીન નામના કારખાને મળ્યા હતા. જ્યાં વકીલે પ્રથમ ૨૫ લાખ માંગ્યા હતા અંતે ૧૦ લાખમાં સેટીંગ થયું હતું. એસો.ના હોદેદારોએ અસીલને મળવાનો આગ્રહ રાખતા કારમાં બેઠેલો ગોવિંદ ધડુક સામે આવ્યો હતો. વકીલની હાજરીમાં તા.૧૫ના રોજ ૧૦ લાખ આપ્યા હતા. જેની સામે અસીલ દ્વારા હવે પીઆઈએલ નહીં કરે તેવું નોટરાઈઝ લખાણ કરી આપ્યું હતું.
પાંચ દિવસ બાદ તા.૨૧ના રોજ વકીલ રજનીકાંત જેતપુર ડાઇંગ એસો.ની ઓફીસે આવ્યો ત્યાં તેણે ગોવિંદ બધા રૂપિયા લઈ ગયો મારો ફોન ઉપાડતો નથી મને નાણા આપો નહીં તો હતું પીઆઈએલ કરીશ તેમ કહી દબાવીને બીજા એક લાખ રૂપિયા વકીલ રજનીકાંતે પડાવ્યા હતા.બન્ને વચ્ચે ૧૧ લાખ રૂપિયા આપ્યા બાદ પણ વધુ રૂપિયાની માગણી કરી ધમકીઓ આપતા જેતપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી