હત્યાના 11 દિવસ બાદ મૉડલ દિવ્યા પાહુજાનો મૃતદેહ મળ્યો
હરિયાણા પોલીસને મળી સફળતા : હોટેલ માલિકની ધરપકડ
હરિયાણા પોલીસને હત્યાના 11 દિવસ બાદ મોડલ દિવ્યા પાહુજાનો મૃતદેહ મળી આવ્યો છે. 2 જાન્યુઆરીએ ગુરુગ્રામની ધ સિટી પોઈન્ટ હોટલમાં દિવ્યા પહુજાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી આરોપી બલરાજે લાશને કેનાલમાં ફેંકવાની માહિતી આપી હતી. જેના આધારે પોલીસે લાશનો કબજો મેળવવા માટે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.
દરમિયાન આજે મોડલ દિવ્યા પહુજાનો મૃતદેહ ફતેહાબાદની ટોહાના કેનાલમાંથી મળી આવ્યો હતો. દિવ્યાની શોધ માટે NDRFની 25 સભ્યોની ટીમ પટિયાલા પહોંચી હતી. કેનાલમાંથી મૃતદેહને બહાર કાઢ્યા બાદ પોલીસે તેની તસ્વીરો દિવ્યાના પરિવારને મોકલી આપ્યો હતો. જેને જોઈને લાશની ઓળખ કરી હતી.
આ ઘટનાને હોટલ માલિક અભિજીત સિંહે અંજામ આપ્યો હતો. આ કેસમાં પોલીસે પશ્ચિમ બંગાળમાંથી બલરાજ નામના આરોપીની ધરપકડ કરી હતી. આ ઘટના બાદ બલરાજ દેશ છોડીને બેંગકોક ભાગી જવાની યોજના બનાવી રહ્યો હતો. આ પછી પોલીસે બલરાજ અને તેના સહયોગી રવિ બંગાની કોલકાતા એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી.
બલરાજ દિવ્યાના મૃતદેહને અભિજીતની BMW કારની ડિકીમાં રાખીને તેનો નિકાલ કરવા નીકળ્યો હતો. આ કામમાં રવિ બંગાએ તેનો સાથ આપ્યો હતો. અભિજીત સિંહે તેની હોટલના બે સ્ટાફ સભ્યો સાથે મળીને દિવ્યાના મૃતદેહને ધાબળામાં લપેટીને તેની BMW કારના ડિકીમાં રાખ્યો હતો. ત્યારબાદ અભિજીતે કારની ચાવી તેના સાથી બલરાજને આપી અને દિવ્યાના મૃતદેહનો નિકાલ કરવા કહ્યું. આ કામ માટે અભિજીતે બલરાજને 10 લાખ રૂપિયા પણ આપ્યા હતા.