ક્રેડિટ કાર્ડના 5 હજાર રિવોર્ડ પોઈન્ટ મેળવવામાં 1.87 લાખ ગુમાવ્યા
ગોંડલના વેપારીને હિન્દીભાષી શખસે ફોન કરી સાયબર ફ્રોડ આચર્યું : ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ
ગોંડલના ભગવતપરામાં રહેતા વેપારીને ક્રેડીટ કાર્ડમાં મળેલા 5 હજાર રિવોર્ડ પોઈન્ટ ખાતામાં જમા કરવાના નામે હિન્દીભાષી સાઈબર ગઠિયાએ ફોન કરી વેપારીને એપ્લિકેશન ડાઉનલોડ કરાવી અને આઈડી પાસવર્ડ મેળવી વેપારી સાથે રૂા. 1.87 લાખની છેતરપીંડી કરતાં ગોંડલ સીટી પોલીસે ગુનો નોંધ્યો છે.
વિગત મુજબ ગોંડલના ભગવતપરા શેરી નં. 19-2માં રહેતા અને કાપડનો વેપાર કરતા ઈમરાન કાદરભાઈ રાઠોડ નામના વેપારીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યા પ્રમાણે ઈમરાનભાઈ પોતાની દુકાને હતા ત્યારે એક અજાણ્યા નંબરમાંથી ફોન આવ્યો હતો.સામે વાત કરતાં હિન્દીભાષી શખસે ઈમરાનભાઈને તેમના ક્રેડીટ કાર્ડ ઉપર 5000ના રિવોર્ડ પોઈન્ટ મળ્યા હોય જેનાથી તમે કોઈપણ વસ્તુ ખરીદી શકશો તેમ કહી એક લીંક મોકલી એક્સિસ બેંકની એપ્લિકેશન ડાઉનલોડ કરાવી આઈડી અને પાસવર્ડ મેળવી ક્રેડીટ કાર્ડમાંથી રૂા.1.46 લાખ અને બીજી વાર રૂા. 40 હજાર એમ કુલ 1.87 લાખ ટ્રાન્સફર કરી લીધા હતાં.જેથી આ મામલે છેતરપીંડીનો ભોગ બનેલા ઈમરાનભાઈએ ગોંડલ સીટી પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથધરી છે.