વલસાડ પોલીસ ચોપડે વોન્ટેડ રાજકોટના શખ્સની ધરપકડ
વોઇસ ઓફ ડે રાજકોટ
સૌરાષ્ટ્રના નામચીન બુટલેગર અને દારૂના સાત ગુનામાં વોંટેડ હર્ષદ ઉર્ફે મહાજનને ક્રાઇમ બ્રાન્ચની ટીમે આણંદથી ઝડપી લીધો હતો. હર્ષદ ઉર્ફે મહાજન દારૂના 18 અને એક હત્યાના પ્રયાસના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું પણ ખુલ્યું હતું.
રાજકોટના વૃંદાવન પાર્ક, સોસાયટી શેરી નં.01, ભવાની ચોકમાં રહેતો કુખ્યાત બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન માણેક માંડલિયા આણંદથી પરિવારને મળવા આવવાનો હોવાની બાતમીને આધારે રાજકોટ ક્રાઇમ બ્રાંચની ટીમે ઝડપી લીધો હતો. હર્ષદ રાજકોટ અને જામનગર જિલ્લાના દારૂના સાત ગુનામાં ફરાર વોંટેડ હતો. જેમાં ક્રાઇમ બ્રાન્ચ સહિત છ પોલીસ મથકમાં નોંધાયેલ દારૂના ગુનામાં ફરાર હતો. કુખ્યાત બુટલેગર હર્ષદ ઉર્ફે મહાજન વિરુદ્ધ ગુના બાદ વર્ષ 2018 અને 2021માં તેણે પાસામાં ધકેલ્યો હતો. તેમજ ગોંડલ બી. ડિવિઝન પોલીસ મથકમાં તેના વિરુદ્ધ હત્યાના પ્રયાસની કલમ હેઠળ પણ ગુનો નોંધાયેલ છે.ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ બી.ટી.ગોહિલની ટીમે કામગીરી કરી હતી.
તેમજ વલસાડના પારડી પોલીસ મથકમાં નોંધાયેલ 888 બોટલ દારૂના ગુનામાં બે વર્ષથી ફરાર નાણાવટી ચોકમાં રહેતા સંજય મેરામણ માવદિયાને ભક્તિનગર પોલીસની ટીમે પકડી પાડ્યો હતો. તે દુષ્કર્મ સહિતના ગુનામાં સંડોવાયેલ છે.