રાજકોટ : સામૂહિક આપઘાતના પ્રયાસની ઘટના : પોલીસ તપાસ ગોટે ચડી
મુંબઈના બે વેપારીઓએ 1.95 કરોડનો ‘ધુંબો’ મારતા સોની પરિવારના 9 સભ્યોએ ઝેરી દવા ગટગટાવી હતી : ભક્તિનગર પોલીસે માત્ર જાણવા જોગ તપાસ કરી : ક્રાઇમ બ્રાન્ચે છેતરપિંડીની અરજીમાં કોઈ તપાસ શરૂ કરી નથી
રાજકોટના સોની બજારમાં ખેતશી વોરાની શેરીમાં જ્વેલર્સની દુકાન ધરાવતાં અને ગુંદાવાડીમાં રહેતાં સોની પરિવારના ૯ સભ્યોએ ઝેરી દવા ગટગટાવી સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતાં સનસનાટી મચી જવા પામી હતી. અને આ પગલું ભરવા પાછળનું કારણ પરિવારને મુંબઈના બે વેપારીએ ૧.૯૫ કરોડનું બુચ મારી દીધાનું ખૂલ્યું હતું.ત્યારે આ મામલાની તપાસ હાલ પોલીસ ખાતામાં ગોટે ચડી હોય તેવું સામે આવ્યું છે.પરિવારે આપઘાત કરતાં પૂર્વે ક્રાઇમ બ્રાન્ચને અરજી લખીને આપી હતી.બાદમાં આ પગલું ભરી લેતા આ મામલાની તપાસ હવે ભક્તિનગર પોલીસ પાસે પહોંચી હતી.પરંતુ તેમણે તો ખાલી પરિવારના સભ્યોને કોઈએ બળજબરીથી દવા નથી પીવડાવી તે જ તપાસ કરી પોલીસ ચોપડે માત્ર જાણવા જોગ નોંધ કરી હતી.
આ અંગે મળતી વિગતો પ્રમાણે સોની બજારમાં ખેતશી વોરાની શેરીમાં કેતન હાઉસ કોમ્પલેક્સમાં સોનાના ઘરેણા બનાવવાનું કામ કરતા લલિતભાઇ વલ્લભદાસ આડેસરા (ઉ.વ.72), તેમના પત્ની મીનાબેન (ઉ.વ.64), પુત્ર ચેતન લલિતભાઇ (ઉ.વ.45), તેમના પત્ની દીપાબેન ચેતનભાઇ (ઉ.વ.43), જય ચેતનભાઇ (ઉ.વ.21), વિશાલ લલિતભાઇ (ઉ.વ.43), સંગીતાબેન વિશાલભાઇ (ઉ.વ.41), વંશ વિશાલભાઇ (ઉ.વ.15) તથા હેતાંશી વિશાલભાઇ (ઉ.વ.8)એ સામૂહિક ઉધઈ મારવાની ઝેરી દવા પી મોત મીઠું કરી લેવાનો પ્રયાસ કર્યો હતો. જેથી તેમણે તાત્કાલિક સિવિલ હોસ્પિટલે સારવા માટે ખસેડવામાં આવ્યા હતા.જ્યાં તમામનો જીવ બચી ગયો હતો.સામૂહિક આપઘાતના પ્રયાસની જાણ થતાં ભક્તિનગર પોલીસ સહીતનો કાફલો હોસ્પિટલ પર દોડી ગયો હતો.
આપઘાતનો પ્રયાસ કરનાર ચેતનભાઈએ જણાવ્યું હતું કે,3 ઓગસ્ટ 2023થી 15 ડિસેમ્બર 2023 સુધીમાં બંનેને કુલ 6481 ગ્રામ સોનાના દાગીના રાજકોટથી ચેતનભાઇએ મોકલ્યા હતા. જેમાંથી 3478 ગ્રામ સોનાના ઘરેણાંનું પેમેન્ટ વિજય રાવલે આરટીજીએસથી મોકલ્યું હતું. બાકીના 3003 ગ્રામ સોનાના ઘરેણાંની રૂ.1,95,49,347ની રકમ બંને વેપારીએ ચૂકવવા હાથ ઉંચા કરી દીધા હતા. ચેતનભાઇ ફોન કરી નાણાંની ઉઘરાણી કરતા ત્યારે બંને શખ્સો તેમજ તે બંનેના કર્મચારી નિર્મલ તથા મહેન્દ્ર ઉડાઉ જવાબ આપતા હતા. ચારેય શખ્સે મળી રૂ.1.95 કરોડથી વધુની રકમ ફસાવી દીધી હતી. જેથી આર્થિક સંકડામણ થતાં પરિવારે આ પગલું ભર્યું હતું.
પરતું આ ઘટનાની તપાસ હાલ પોલીસ ખાતામાં ગોટે ચડી હોય તેવું માલૂમ થઈ રહ્યું છે.તેનું કારણ એ છે કે, ચેતનભાઈએ ગત તા.19ના મુંબઈના વેપારીઓએ તેમની સાથે છેતરપિંડી કરી તે બાબતની ક્રાઇમ બ્રાંચમાં આ અરજી જમા કરાવી હતી.જેથી તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચને કરવાની હતી.પરંતુ આપઘાતનો પ્રયાસ કરતાં આ મામલાની તપાસ ભક્તિનગર પોલીસ પાસે પહોંચી હતી.પરંતુ ભક્તિનગર પોલીસ દ્વારા તમામ પરિવારના સભ્યોએ પોત જ ઝેરી દવા પીધી છે કે તેમણે કોઈના દ્વારા બળજબરીથી પીવડવામાં આવી છે.તેની તપાસ કરી હતી.અને આ તપાસમાં પરિવારના સભ્યોએ પોતાની જાતે જ દવા પીધાંનું માલૂમ થતાં આ ઘટનાને માત્ર તેમના ચોપડે નોંધ કરી હતી.અને આગળની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે તેવું માની લીધું હતું.જ્યારે ક્રાઇમ બ્રાન્ચે ઘટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની એટલે તેઓ આગળની તપાસ કરશે તેવું માની લીધું છે.જેથી ઘટનાના 24 કલાક બાદ પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી.
કોણે શુ કહ્યું
ભક્તિનગર પોલીસ PSO : આ ઘટનાની તપાસ પીએસઆઈ સામુદ્રે કરી રહ્યા છે
PSI સામુદ્રે: તપાસ મારી પાસે નહીં પરંતુ PSI લાઠીયા પાસે છે
PSI લાઠીયા : મને સાંજ સુધી તપાસ આપી હતી.પણ હવે PI સરવૈયા કરી રહ્યા છે.
PI સરવૈયા : આપઘાતના પ્રયાસ મામલે જાણવા જોગ તપાસ કરી છે.છેતરપિંડીની તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરશે.
PI ગોંડલીયા (ક્રાઇમ બ્રાન્ચ) : આ તપાસ ભક્તિનગર પોલીસ પાસે જ છે.
ભક્તિનગર પોલીસ જાણવા જોગની તપાસ કરશે અને ક્રાઇમ બ્રાન્ચ છેતરપિંડી થયાની : ડીસીપી
ડીસીપી ઝોન-1 સજનસિંહ પરમારે વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે,ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનાવ બન્યો હોવાથી આપઘાતના પ્રયાસની તપાસ ભક્તિનગર પોલીસ દ્વારા કરવામાં આવવાની છે.અને છેતરપિંડીની અરજી ક્રાઇમ બ્રાન્ચમાં આપી હોવથી તેની તપાસ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહી છે.
પોલીસ કમિશનરની સૂચના બાદ આગળ તપાસ કરી કાર્યવાહી કરાશે : પીઆઇ ગોંડલીયા (ક્રાઇમ બ્રાન્ચ)
વોઇસ ઓફ ડે સાથેની વાતચીતમાં ક્રાઇમ બ્રાન્ચના પીઆઇ એમ.આર.ગોંડલીયાએ જણાવ્યું હતું કે,સોની પરિવારના સભ્ય ચેતનભાઈ દ્વારા તા.19ના તેમની સાથે 1.92 કરોડની છેતરપિંડી થઈ હોવાની અરજી આપી હતી.ત્યાર બાદ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.જેથી આ ઘટના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં બની હતી.જેથી છેતરપિંડીની અરજી બાબતે તપાસ કરી કાર્યવાહી કરવી કે આપઘાતના પ્રયાસ મામલે ગુનો નોંધી આગળ તપાસ કરવી. તે પોલીસ કમિશનરની સૂચના બાદ માલૂમ પડશે તેમ જણાવ્યું હતું.