તારે અમને દારૂ પીવડાવવો પડશે’કહી ખૂનના આરોપીને ત્રિપુટીએ છરી ઝીંકી
મોચી બજાર પાસેથી દેશી દારૂ ખરીદીને જૂની પોસ્ટ ઓફિસ પાસે ઊભો હતો ત્યારે બે ત્રિપુટીએ મારમાર્યો
જામનગરમાં રહેતા યુવક પર ખુનનો કેસ ચાલતો હોવાથી તે રાજકોટ કોર્ટમાં તારીખમાં આવ્યો હતો.બાદમાં સાંજના સમયે તે મોચી બજાર પાસેના દેશી દારૂના અડ્ડા પરથી દારૂની પોટલી ખરીદીને જૂની પોસ્ટ ઓફિસ પાસે ઊભો હતો.ત્યારે તેની પાસે આવેલા ત્રણ અજાણ્યા શખસોએ ‘તારે અમને દારૂ પીવડાવવો પડશે’તેમ કહીને ધમકાવી છરીનો એક ઘા ઝીંકી દઈ મારામારી કરતાં તેને ઇજા પહોંચી હતી.અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યારે આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.
વધુ વિગતો મુજબ જામનગરમાં મફતીયા પરામાં રહેતા આરિફભાઈ રજાકભાઈ શેખ નામના યુવકે નોંધાવેલી ફરિયાદમાં આરોપીમાં રાહુલ ઉર્ફે રસિયો અને બે અજાણ્યા શખસોના નામ આપતા જણાવ્યું હતું કે,તેના પર ખુનનો કેસ ચાલતો હોય જેથી તે રાજકોટ કોર્ટમાં તારીખમાં આવ્યો હતો.અને બાદમાં તેના ભગવતીપરામાં રહેતા સસરાના ઘરે જતો રહ્યો હતો.પોતાને દારૂ પીવાની ટેવ હોવાથી તે સાંજના સમયે મોચી બજાર પાસે આવેલા ખાડામાં દેશી દારૂના અડ્ડા પર ગયો હતો.અને ત્યાંથી દારૂની પોટલી ખરીદીને જૂની પોસ્ટ ઓફિસ પાસે ઊભો હતો.ત્યારે આરોપી રાહુલ અને તેની સાથેના બે અજાણ્યા શખસો ત્યાં ઘસી આવ્યા હતા.અને તેની પાસે રહેલી દારૂની પોટલી પોતાને પીવડાવે તેવું કહ્યું હતું.જેથી ફરિયાદીએ ના પાડતાં આરોપી ત્રિપુટીએ છરી કાઢી તેના પેટના ભાગે ઝીંકી દીધી હતી.અને માર માર્યો હતો.જેથી યુવકને ઇજા પહોંચતા સારવારમાં ખસેડાયો હતો.અને આ મામલે એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી ત્રિપુટીની શોધખોળ કરી છે.