આપઘાત પૂર્વે લખેલી સ્યુસાઇડ નોટમાં માતા-પિતાની માફી માંગી
રાજકોટ તા. ૮:
રાજકોટના રૈયાધાર શાંતિનગરમાં શ્યામવિલા-૧ એપાર્ટમેન્ટમાં ૨૦૧માં રહેતી પ્રાર્થના વિપુલભાઇ પારેખ (ઉ.વ.૧૮) ધોરણ-૧૨માં એક વિષયમાં નાપાસ થયા બાદ પરિક્ષા પાસ કરી લીધી હોઇ હવે કોલેજમાં એડમિશન લેવા માટે ચાર પાંચ દિવસથીતે તથા પરિવારજનો ધક્કા ખાતા હોય પરંતુ એડમિશન નહિ મળતા પ્રાર્થનાએ ગળાફાંસો ખાઇ આપઘાત કરી લેતા પરિવારમાં શોક વ્યાપી ગયો છે પ્રાર્થનાએ આપઘાત પૂર્વે એક સ્યુસાઇડ નોટ લખી હતી જેમાં લખ્યું છે કે “મને આજે એડમિશન ન મળ્યું તો હું શું કરીશ? તમને બધાને લાગે હું આખો દિવસ ખુશ રહુ છું તો મને કાંઇ ટેન્શન નથી, તમારા કરતાં વધારે મને ટેન્શન છે, કારણ કે ફયુચર તો મારુ છે ને તેથી સોરી….સોરી…પ્રાર્થના.
આ બનાવમાં યુનિવર્સિટી પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી. આપઘાત કરનાર પ્રાર્થના બે બહેન અને એક ભાઇમાં મોટી હતી. તેના પિતા છુટક મજૂરી કરે છે જ્યારે માતા મોદી સ્કૂલમાં પ્યુન તરીકે નોકરી કરે છે. પ્રાર્થનાએ ગયા વર્ષે ધોરણ-૧૨ની પરિક્ષા આપી હતી. જેમાં એક વિષયમાં નાપાસ થયા બાદ આ વિષયની ફરી પરિક્ષા આપતાં પાસ થઇ ગઇ હતી. અને કોલેજમાં એડમિશન માટે તે ચારેક દિવસથી પ્રયાસ કરતી હતી. પરંતુ એડમિશન મળતું ન હોવાથી સતત ટેન્શનમાં આવી ગઇ હતી.