આવાસ યોજનાના ક્વાર્ટરમાં એક વર્ષથી ચાલતું હતું ગાંજાનું વેચાણ !
ફ્રૂટનો ધંધાર્થી અમદાવાદથી ગાંજો લાવીને ૧૦૦ રૂપિયાની પડીકી વેચતો: એસઓજીએ દરોડો પાડી ૭ કિલો.૧૨૦ ગ્રામ સાથે પકડી પાડ્યો
સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)એ રાજકોટમાંથી ડ્રગ્સ, ગાંજો, ચરસ સહિતના વેચાણ ઉપર કાયમી લગામ મુકી દેવાનો નિર્ધાર લઈ લીધો હોય તેવી રીતે એક બાદ એક પેડલરો અને સપ્લાયરોને પકડવામાં આવી રહ્યા છે. આવો જ એક દરોડો આવાસ યોજનાના ક્વાર્ટરમાં પાડવામાં આવ્યો હતો જ્યાંથી એક વર્ષથી ગાંજાનું વેચાણ ચાલી રહ્યું હતું ! પોલીસે ગાંજાનો ધંધો કરનાર શખ્સને ૭ કિલો ૧૨૦ ગ્રામ ગાંજા સાથે પકડી પાડી તેને સપ્લાયરને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.
એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાના માર્ગદર્શન હેઠળ ટીમે ૧૫૦ ફૂટ રિંગરોડ પર પાઠક સ્કૂલ પાછળ, મહાપાલિકાની આવાસ યોજનાના ક્વાર્ટર નં.૧૯૪૬માં દરોડો પાડી ગાંજાના જથ્થા સાથે અતીક સલીમભાઈ મેતર (ઉ.વ.૩૦)ને પકડી પાડ્યો હતો. અતીકે આ ક્વાર્ટર તેને માતાના નામે લાગ્યું હતું જેમાં પરિવાર રહેતો હતો. અતીક અહીંથી જ ગાંજાની પડીકીઓ બનાવીને બંધાણીઓને ૧૦૦ રૂપિયામાં એક પડીકી વેચતો હતો.
પોલીસે જ્યારે દરોડો પાડ્યો ત્યારે અતીક ગાંજાની પડીકીઓ બનાવી જ રહ્યો હતો. તેના કબજામાંથી ગાંજા ઉપરાંત એક વજન કાંટો અને પ્લાસ્ટિકિની કોથળીના ચાર પેકેટ મળી આવ્યા હતા. અતીક ગાંજાનો આ જથ્થો અમદાવાદથી લાવ્યો હોવાની કબૂલાત આપી હતી. ગાંજાના વેચાણની સાથે સાથે તે ફ્રૂટનો ધંધો કરતો હોવાનું રટણ પણ કરતો હતો.