આતંકીઓ હથિયારોનો જથ્થો ખરીદવાની ફિરાકમાં હતા ! ATSના બંગાળમાં દરોડા
હથિયારો રાજકોટમાંથી ખરીદવાના હતા કે જથ્થો બહારથી અહીં આવવાનો હતો તે દિશામાં તપાસ શરૂ: આતંકીઓ ઉપરાંત તેમની સાથે સંપર્ક રાખનારા લોકો તેમજ પરિવારજનોના બેન્ક ખાતાની ચકાસણી; ટેરર ફન્ડીંગ થયું હોવાની પ્રબળ આશંકા
◙ આતંકીઓએ બંગાળના અનેક લોકોના બ્રેઈનવોશ કરી નાખ્યા હોવાથી એટીએસની ટીમ ત્યાં ત્રાટકી: હથિયારોનો જથ્થો આવી જાય એટલે તુરંત હુમલો કરી દેવાની યોજના હતી કે કેમ તે દિશામાં તપાસ: ટૂંક સમયમાં એટીએસ ટીમ ત્રણેયને રાજકોટ લાવશે
◙ રિમાન્ડ પૂર્ણ થતાં સુધીમાં આતંકવાદ મામલે મોટા ધડાકા-ભડાકા થવાના ભણકારા: હેન્ડલરની પણ સઘન શોધખોળ સાથે સાથે સ્થાનિક સપોર્ટને દબોચી લેવા ધમધમાટ
રાજકોટ, તા.4
હંમેશા લોકોની અવર-જવરથી ધમધમતી રહેતી સોની બજારમાં એટીએસે મોટું ઓપરેશન પાર પાડીને ખૂંખાર આતંકી સંગઠન અલ-કાયદા સાથે જોડાયેલા અને તેના માટે કંઈક પણ કરી છૂટવાની તૈયારીમાં રહેલા ત્રણ આતંકીઓને પકડી પાડતાં મોટો ખળભળાટ મચી જવા પામ્યો હતો. દરમિયાન આતંકીઓની ધરપકડ બાદ તેમને 14 દિવસના રિમાન્ડ પર લેવામાં આવતાંની સાથે જ દરરોજ મહત્ત્વના ખુલાસાઓ થઈ રહ્યા છે.
ત્યારે હવે એવી સનસનાટીજનક જાણકારી સામે આવી રહી છે કે પકડાયેલા ત્રણેય આતંકીઓ હથિયારનો મોટો જથ્થો ખરીદવાની ફિરાકમાં હતા અને જેવો જથ્થો તેમને મળી જાય કે તુરંત જ હુમલાની તૈયારી શરૂ કરી દેવાના હતા !! બીજી બાજુ આતંકીઓના મુળિયા શોધવા માટે એટીએસ દ્વારા પશ્ચિમ બંગાળ કે જ્યાં તેમનું વતન આવેલું છે ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.
એટીએસ દ્વારા ત્રણેય આતંકી અબ્દુલ શકુર, સૈફ નવાઝ અને અમનની સઘન પૂછપરછ ચાલી રહી છે અને તેઓ વધુ હથિયારો ખરીદવાની વાત બહાર આવી છે ત્યારે આ લોકો હથિયારોનો જથ્થો રાજકોટમાંથી જ કોઈ જગ્યાએથી ખરીદવાના હતા કે પછી અન્ય કોઈ સ્થળેથી હથિયારો રાજકોટમાં લાવીને હુમલાને અંજામ આપવાના હતા તે બાબતનો ખુલાસો અત્યંત મહત્ત્વનો બની જાય છે.
આ માટે એટીએસ દ્વારા ત્રણેય આતંકીઓના મોબાઈલની ઝીણામાં ઝીણી વિગતો તેમજ તેમના ફોનમાં રહેલી ટેલિગ્રામ તેમજ કન્ઝરવેશન એપ્લીકેશનની બારીકાઈથી ચકાસણી ચાલી રહી છે જે પૂર્ણ થયા બાદ આ મામલે મોટો ખુલાસો થાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
ખાસ કરીને આતંકીઓના બેન્ક ખાતાની પણ ચકાસણી ચાલી રહી છે. આ ઉપરાંત તેમની સાથે નિયમિત સંપર્ક રાખનારા લોકો તેમજ આતંકીઓના પરિવારજનો તેમજ તેમની સાથે સંપર્ક રાખનારા લોકોના પરિવારજનોના બેન્ક એકાઉન્ટની પણ તપાસ ચાલી રહી છે મતલબ કે ટેરર ફન્ડીંગનો એંગલ પણ શોધવામાં આવી રહ્યો છે જેમાં પણ એટીએસને મોટી સફળતા સાંપડે તેવી સંભાવના સૂત્રો વ્યક્ત કરી રહ્યા છે.
આ બધાની વચ્ચે એવો ખુલાસો પણ થયો છે કે, ત્રણેય આતંકીઓએ પશ્ચિમ બંગાળમાં અનેક લોકોના બ્રેઈનવોશ કરી નાખ્યા છે ત્યારે આ લોકો કોણ છે અને કેટલા છે તેની તપાસ કરવા માટે એટીએસની એક ટીમને બંગાળ રવાના કરવામાં આવી છે જ્યાં દરોડાનો દોર ચાલી રહ્યો છે. આવી જ રીતે ત્રણેય આતંકીઓને લઈને એટીએસ ટૂંક સમયમાં રાજકોટ આવીને સોની બજારમાં આ લોકો જ્યાં રોકાયા હતા તેની તપાસ કરવામાં આવશે જ સાથે સાથે આ લોકો રાજકોટમાં રોકાણ દરમિયાન ક્યાં ક્યાં ગયા હતા અને કોને કોને મળ્યા હતા તે સહિતની બાબતે પણ તપાસ કરવામાં આવશે.
આતંકીઓની પૂછપરછ દરમિયાન હેન્ડલર અબુ તલ્હા સહિતના નામો સામે આવ્યા છે ત્યારે આ લોકોને પકડવા માટે પણ તજવીજ શરૂ કરાઈ છે સાથે સાથે રાજકોટમાં આ લોકોની મદદ આખરે કોણ કરી રહ્યું હતું તે દિશામાં પણ તપાસનો ધમધમાટ ચાલી રહ્યો છે. ટૂંક સમયમાં જ આ મામલામાં મોટો ધડાકો થશે તે વાત નિશ્ચિત જણાઈ રહ્યાનું સૂત્રોએ ઉમેર્યું છે.