કેન્દ્રીય બજેટમાં સરકાર કોના પર વધુ ધ્યાન આપશે ? જુઓ
કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમણ, આવતા મહિનાના બીજા પખવાડિયામાં સંપૂર્ણ બજેટ રજૂ કરતી વખતે, ચાલુ નાણાકીય વર્ષ માટે રાજકોષીય ખાધના લક્ષ્યને કુલ સ્થાનિક ઉત્પાદન (જીડીપી) ના 5.1 ટકા પર યથાવત રાખે તેવી સંભાવના છે. વચગાળાના બજેટમાં પણ તેમણે રાજકોષીય ખાધ જીડીપીના 5.1 ટકા રહેવાનો અંદાજ મૂક્યો હતો. બજેટ બનાવવાની પ્રક્રિયાની પ્રારંભિક ચર્ચામાં સામેલ નીતિ નિર્ધારણ ટીમના ત્રણ અધિકારીઓએ આ માહિતી આપીને કહ્યું હતું કે નાંણામંત્રી તિજોરી મજબૂત કરવા પર ધ્યાન આપી શકે છે અને મૂડી ખર્ચ વધારી શકે છે.
બજેટમાં નિર્મલા કેપિટલ ખર્ચ વધારી શકે છે. એટલે કે ઉત્પાદન અને મહેસૂલી આવક વધારે તેવા ક્ષેત્રો માટે વધુ ખર્ચ કરી શકે છે. માળખાગત ક્ષેત્રના વિકાસ પર વધુ ધ્યાન આપશે તેમ માનવામાં આવે છે.
આ માહિતી એવા સમયે સામે આવી છે જ્યારે આ મહિને કેન્દ્રમાં ગઠબંધન સરકારે સત્તા સંભાળી છે. આવી સ્થિતિમાં સરકાર મૂડી ખર્ચ પર ભાર મૂકે તેવી અપેક્ષા છે. સત્તારૂઢ એનડીએના કેટલાક ઘટકો પણ વિશેષ પેકેજની અપેક્ષા રાખી રહ્યા છે.
એક અધિકારીએ જણાવ્યું હતું કે, નાણાકીય વર્ષ 2024-25 માટે રાજકોષીય એકત્રીકરણ રોડમેપ વચગાળાના બજેટમાં રજૂ કરાયેલા કરતા અલગ હોઈ શકે નહીં.” પરંતુ આવા કિસ્સાઓમાં કોઈ પણ અંતિમ નિર્ણય લેતા પહેલા રાજકીય પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં લેવું જરૂરી છે. અમે સંપૂર્ણ બજેટમાં આ અંગે ઊંડાણપૂર્વક વિચારણા કરીશું.
નિષ્ણાતોને લાગે છે કે સરકાર ઝડપથી વિકસતા અર્થતંત્રની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને રાજકોષીય ખાધને ધીમે ધીમે ઘટાડવાની વર્તમાન નીતિને ચાલુ રાખશે. ઉદ્યોગના પ્રતિનિધિઓએ સરકારને મૂડી ખર્ચમાં વધુ વધારો કરવા વિનંતી કરી છે. તેમણે સરકારને નાણાકીય વર્ષ 2024 માટે સુધારેલા અંદાજમાંથી 25 ટકા વધારવાની સલાહ આપી છે.