શું કહ્યું રેટિંગ એજન્સી ફીચે ? જુઓ
દેશના વિકાસ અંગે શું કરી આગાહી ?
દેશનું અર્થતંત્ર ઝડપથી આગળ વધી રહ્યું છે અને વિદેશી રેટિંગ એજન્સીઓ સતત સારા અને આશાસ્પદ અહેવાલો આપી રહી છે. ભારતની અર્થવ્યવસ્થા વિશ્વની સૌથી ઝડપથી વિકસતી અર્થવ્યવસ્થા છે, હવે વૈશ્વિક રેટિંગ એજન્સી ફિચે નાણાકીય વર્ષ 2025 માટે ભારતની આર્થિક વૃદ્ધિ અનુમાન 6.5% થી વધારીને 7% કર્યું છે. સાથે આગામી સમયમાં તેમાં વધારો થવાની આશા પણ દર્શાવી છે.
ફિચે પોતાના નવા અહેવાલમાં કહ્યું કે ભારતની આર્થિક વૃદ્ધિને મજબૂત સ્થાનિક માંગ અને રોકાણમાં વધારો દ્વારા ટેકો મળશે. આ સિવાય રેટિંગ એજન્સીએ 2024ના અંત સુધીમાં રિટેલ મોંઘવારી દરમાં 4%નો ઘટાડો થવાનો અંદાજ મૂક્યો છે. ફિચને અપેક્ષા છે કે રિઝર્વ બેન્ક જુલાઈ અને ડિસેમ્બર વચ્ચે રેપો રેટમાં 50 bpsનો ઘટાડો કરી શકે છે.
ફિચના અંદાજમાં આ ફેરફાર લગભગ બે અઠવાડિયા પછી આવ્યો છે જ્યારે નેશનલ સ્ટેટિસ્ટિકલ ઑફિસના સત્તાવાર ડેટા દર્શાવે છે કે ઓક્ટોબર-ડિસેમ્બરના સમયગાળામાં દેશની જીડીપી 8.4% વધી છે, જે ઉત્પાદન અને ખાણકામ ક્ષેત્રોમાં સારી કામગીરીને કારણે વધી છે.
રિટેલ મોંઘવારી કોઈ પણ દેશ માટે ચિંતાનો વિષય હોય છે પણ ભારત માટે તેમાં પણ રાહત મળવાની આગાહી કરવામાં આવી છે. મોંઘવારી આજે એક વૈશ્વિક સમસ્યા બની ગઈ છે ત્યારે દેશમાં સ્થિતિ નિયંત્રણમાં રહેવાની ધારણા છે.